Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બૂલેટ ટ્રેનનું કામ ૩૦ નવેમ્બરથી બૂલેટ ઝડપે શરૂ થશે

૩૦ ટકા જમીન સંપાદન પૂર્ણઃ ટેન્ડરો બહાર પડી ગયા

અમદાવાદ, તા. ૧૮ :. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ (એનએચએસઆરસીએલ)  અનુસાર બુલેટ ટ્રેનનું કામ નવેમ્બરથી શરૂ થશે. જોવામાં આવે તો નેશનલ હાઈસ્પીડે ૩૦ ટકા જમીનનું સંપાદન કરી લીધું છે. હાલમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર પર મુખ્ય લાઈનના ૨૩૭ કિલોમીટર પર ડીઝાઈન, સિવીલ કન્સ્ટ્રકશન અને મકાન બાંધકામ, પરિક્ષણ સહિતના કામો માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત ૧૫ જુલાઈએ બંધ થશે.

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોરનો પ્રોજેકટ ૫૦૮ કિ.મી.નો છે. જેમાંથી ૨૩૭ કિ.મી. એટલે કે ૪૭ ટકા ભાગ ગુજરાતમાં છે. હાલમાં જે જાહેરાત આપવામાં આવી છે તે મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલા જારોલી ગામથી વડોદરા સુધીની છે. આમ તો આ પ્રોજેકટ જમીન પરનો છે પણ ઘણી જગ્યાએ તે ટનલમાંથી પણ પસાર થશે. એક પહાડમાં લગભગ ૨૮૦ મીટરની ટનલ બનશે. આના માર્ગ પર ૨૪ રીવર ક્રોસીંગ અને ૩૦ રોડ અને કેનાલ ક્રોસીંગ બનશે. ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચ સ્ટેશન હશે. નેશનલ હાઈસ્પીડે શકયતાઓ દર્શાવી છે કે જાહેરાતને સમયસર ફાઈનલ કરી દેવાશે એટલે કે આ વર્ષે નવેમ્બર સુધીમાં ફાઈનલ થઈ જશે. આના માટે જેટલી જમીનની જરૂર છે તે પણ સંપાદિત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે હાઈસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) દેશનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો એબેએ આ પ્રોજેકટનો શિલાન્યાસ અમદાવાદમાં કર્યો હતો.

(11:37 am IST)