Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

'દેશ લૂંટ કર રોજ લૂંટેરે નાક કે નીચે ભાગ રહે, ચૌકીદાર તેરી એસી ચૌકીદારી પર લાનત હૈ'

સોશિયલ મીડિયા પર ભાજપના ચોકીદાર કેમ્પેન પર પાણી ફેરવતાં બાવળિયાઃ 'ચોકીદાર કુંવરજી બાવળિયા' ભલે સરકારમાં મંત્રી પણ જૂની ટ્વિટ હજુય જૈસે થે

અમદાવાદ તા. ૧૮ : કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપની સરકારમાં રાતોરાત કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાએ વડાપ્રધાનને અનુસરીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કુંવરજી બાવળિયા નામ આગળ હવે 'ચૌકીદાર કુંવરજી બાવળિયા' લખાવ્યું છે. જોકે ભાજપ સરકારના આ મંત્રી જ ભાજપના ચોકીદાર કેમ્પેન પર પાણી ફેરવતાં હોય તેવો ઘાટ છે. હમણાં જ ચોકીદાર બનેલા કુંવરજી બાવળિયાએ પોતાના અન્ય એક ટ્વિટર એકાઉન્ટ પર ભાજપને આડે હાથે લેતાં એવું લખ્યું હતું 'ચોકીદાર તેરી એસી ચૌકીદારી પર લાનત હૈ.'

બાવળિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'તેરે હર જૂઠે વાદે પર, મક્કારી પર લાનત હૈ, દેશમેં ફેલી નફરત વાલી બીમારી પર લાનત હૈ, દેશ લૂટ કર રોજ લૂંટેરે નાક કે નીચે ભાગ રહે, ચોકીદાર તેરી એસી ચૌકીદારી પર લાનત હૈ' આ ઉપરાંત અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 'અબ કોનસા બટન દબાને વાલે હૈ સાહબ ૨૦૧૯ કે લિયે. કૃપયા દેશવાસીઓ કો બતાયેં તોકિ આપકે જુમલો મેં ના આ જાયે' વધુમાં કાશ્મીરની ઘટનાને ટાંકીને પોતે અત્યારે જે સરકારમાં છે તે ભાજપની સરકારને કહ્યું હતું કે, 'લાચારી કયા હોતી હૈ સાહેબ, યે ઉસ જવાન સે પૂછો જિસ કે હાથોમેં એકે ૪૭ હોતે હુએ ભી સરકાર કી વજહ સે પથ્થર ખા રહા હૈ!!!' ભાજપની સરકારના ચોકીદાર કેમ્પેન પર પાણી ફેરવતાં કુંવરજી બાવળિયા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઉપરોકત પોસ્ટ મૂકી હતી. જોકે કોંગ્રેસથી છેડો ફાડયો એટલે નવો ટ્વિટર એકાઉન્ટ બનાવ્યો હતો, પરંતુ જૂનો ટ્વિટર એકાઉન્ટ યથાવત્ છે. ૧૭મી માર્ચ ૨૦૧૯ સુધી તેમણે ઉપરોકત જૂના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટને હટાવી નથી. આ જૂની પોસ્ટને લઈને પણ કેટલાક કુંવરજીની મજા લઈ રહ્યા છે તેમ સૂત્રો કહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નરેન્દ્ર મોદી નામ આગળ સુધારો કરીને 'ચોકીદાર નરેન્દ્ર મોદી'લખ્યું છે, જેને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા કેબિનેટ રાજયકક્ષાના મંત્રીઓમાંથી લગભગ તમામ મંત્રીઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના નામ આગળ સુધારો કરીને ચોકીદાર લખાવ્યું છે.

(9:50 am IST)