Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

૩ લાખ રોકડા - ૨ લાખના દાગીના લઇ ગયાની ફરિયાદ

'ચોકીદાર ચોર'... શંકરસિંહના ઘરે ચોરી : ચોકીદાર દંપતિ રોકડા અને દાગીના લઇને ભાગી ગયા

અમદાવાદ તા. ૧૮ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ વિપક્ષ નેતા અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના ઘરે ચોરીની ઘટના બની છે. ચોરીની આ ઘટનામાં તેમના ઘરના ચોકીદારની મુખ્ય ભૂમિકા હોય તેવી શંકા છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘેલાના K/7 ગાંધીનગર સર્કલ પર આવેલા 'વસંત વગડો' ઘરમાંથી ચોકીદાર બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુર્ખા અને તેની પત્ની શારદા ૩ લાખ રૂપિયા કેશ અને ૨ લાખના દાગીના સાથે ભાગી ગયા છે.

શંકરસિંહ વાઘેલા સાથે કામ કરતા અને પેથાપુરમાં જ રહેતા સુર્યસિંહ હેમતુજી ચાવડાએ રવિવારે સાંજે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયા મુજબ, અમે ચાર વર્ષથી એક નેપાળીને કામે રાખ્યો હતો, તે પોતાની પત્ની અને બાળકો સાથે વસંત વગડોમાં રહેતો હતો. શંકરસિંહે ૨જી ફેબ્રુઆરીએ મને જણાવ્યું કે તેમનો નેપાળી ચોકીદાર ઓકટોબરથી પત્ની અને બાળકો સાથે જતો રહ્યો છે અને પાછો નથી આવ્યો. ૭મી ફેબ્રુઆરીએ કબાટમાં મુકેલા દાગીના અને રોકડ નહોતી મળી. આ રૂમનો કબાટ ખોલવાની પરવાનગી નેપાળી અને તેની પત્નીને પણ હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ, માત્ર નેપાળી અને તેની પત્નીએ જ કબાટમાંથી ઘરેણાં અને રોકડ રકમ ચોરી હોવી જોઈએ. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.જે અનુર્કરે કહ્યું કે શંકરસિંહ વાઘેલાના પરિવારમાં લગ્નની તૈયારી કરતા સમયે ફરિયાદીને જાણ થઈ કે દાગીના અને રોકડની ચોરી થઈ છે. ચોરી કરનાર સિકયોરિટી ગાર્ડ તેની પત્ની સાથે ઓકટોબરથી ઘર છોડીને જતો રહ્યો છે. પોલીસે ચોરી અને તેમાં મદદ કરવાના આરોપની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

(9:49 am IST)