Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

એફએમસીજીના અન્યાયના લીધે રિટેલ વેપારને નુકસાન

ફેડરેશન ઓફ ગુજરાતની લડતની ચિમકી : મોર્ડન ટ્રેડમાં એફએમસીજી કંપનીઓ અને મોલ કલ્ચરથી રિટેલ બિઝનેસ પડી ભાંગવાની ગંભીર દહેશત : અહેવાલ

અમદાવાદ,તા. ૧૭ : મોર્ડન ટ્રેડમાં એફએમસીજી(ફાસ્ટ મુવીંગ કન્ઝયુમર ગુડ્ઝ) સંલગ્ન કંપનીઓના અન્યાય અને વ્હાલાદવલાની નીતિના કારણે તેમ જ મોલ કલ્ચરના પરિણામે ગુજરાત રાજયમાં રિટેલ બિઝનેસ ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. ફાસ્ટ મુવીંગ કન્ઝયુમર ગુડ્ઝને સલંગ્ન કંપનીઓ વિવિધ મોલ્સને રિટેલ માર્કેટના વેપારીઓની સરખામણીમાં વધુ માર્જિન આપતી હોવાથી રિટેલ માર્કેટના વેપારીઓની હાલત કફોડી બની છે, જેને પગલે સમગ્ર રિટેલ માર્કેટ તૂટી રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની મળેલી મહત્વની બેઠકમાં આ સંવેદનશીલ મુદ્દા અંગે બહુ મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી લડતની ચીમકી ફેડરેશનના ચેરમેન અરૂણ પરીખ, પ્રમુખ દિપકભાઇ પટેલ, ઉપપ્રમુખ નિર્મલભાઇ ખોખર અને સેક્રેટરી શૈલેષ શાહ સહિતના હોદ્દેદારોએ ઉચ્ચારી હતી. અમદાવાદ શહેરમાં ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની મળેલી મહત્વની બેઠકમાં રાજયભરમાંથી એક હજારથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ અને આગેવાનો હાજર રહ્યા હતા. રાજયમાં રિટેલ બિઝનેસ પડી ભાંગવાની ગંભીર દહેશત વ્યકત કરતાં ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સના ચેરમેન અરૂણ પરીખ, પ્રમુખ દિપકભાઇ પટેલ અને સેક્રેટરી શૈલેષ શાહે જણાવ્યું હતું કે, મોર્ડન ટ્રેડમાં હાલ જે પ્રકારે એફએમસીજી સંલગ્ન કંપનીઓ પક્ષપાતભરી નીતિ અને વિવિધ મોલ્સને તરફેણ કરવાની નીતિ અખત્યાર કરી રહી છે, તેના કારણે રિટેલ માર્કેટ પર સીધી અને ગંભીર અસરો પડી રહી છે. રાજયમાં આશરે આઠ હજારથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ મેમ્બર્સ છે. હાલ રિટેલ માર્જિન ૯ ટકા છે, જયારે ડિસ્ટ્રીબ્યુટર્સ ૪.૫ ટકા છે અને મોલ્સને ૨૧ ટકા માર્જિન મળે છે. એટલે કે, રિટેલર ડિસ્ટ્રીબ્યુટર્સને ૭.૫ ટકા ઓછુ માર્જિન મળે છે, જેના કારણે ડિસ્ટ્રીબ્યુટર્સને બહુ મોટુ નુકસાન થાય છે. વધુમાં, ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સના ચેરમેન અરૂણ પરીખ, પ્રમુખ દિપકભાઇ પટેલ અને સેક્રેટરી શૈલેષ શાહે એફએમસીજી દ્વારા દરેક રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સને ૦. ૨૫ ટકા પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરતાં વધુમાં ઉમેર્યું કે, મોલ માર્કેટ દ્વારા કેટલીક પ્રોડક્ટ્સને ખૂબ ઓછા ભાવે અને ઘણી ઓફરો સાથે ગ્રાહકોને વેચાય છે, તેથી તે પ્રોડકટ્સ ગ્રાહકો રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ખરીદી શકતા નથી. તેના કારણે પણ રિટેલ બિઝનેસ ગંભીર રીતે તૂટી રહ્યો છે. આ સમગ્ર મામલે અમે આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા લેવલના અમારા ફેડરેશન સુધી રજૂઆત કરી લડતના મંડાણ કરીશું. આ મામલે એક મહિનામાં હકારાત્મક અભિગમ અપનાવી સંતોષકારક નિર્ણય લેવા પણ અમે સરકાર સમક્ષ માંગણી કરી છે. ગુજરાતના રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સ તેમના ટર્નઓવરનો ૧૮ ટકા ટેક્સ સરકારમાં આપતા હોવાથી સરકારે તેમની મદદ માટે આગળ આવવું જોઇએ અને રિટેલ માર્કેટને તૂટતા બચાવવું જોઇએ. જો સરકારનું વલણ નકારાત્મક હશે તો, અમે રાષ્ટ્રવ્યાપી લડત પર આગળ વધીશું.

 

(10:00 pm IST)