Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અપૂરતી ઊંઘના લીધે ઘણી તકલીફો થવાનો ખતરો છે

પૂરતી ઉંઘને નજરઅંદાજ કરવી ખતરનાક બની શકે : સોશિયલ મીડિયા ઉપર વધારે સમય પસાર કરતાં કિશોર વયનાં છોકરાં-છોકરીઓ ઓછી ઊંઘ લેતા હોવાનું તારણ

અમદાવાદ,તા.૧૭ : સંતુલિત આહાર લો, કસરત કરો અને પર્યાપ્ત માત્રામાં પાણી પીવો એ કોઈપણ વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે આપવામાં આવતી આ સૌથી સામાન્ય સલાહ છે. જ્યારે ઉપરોક્ત નિવેદન સારું સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યાપકપણે સ્વીકૃત સિદ્ધાંત છે, ત્યારે આપણામાંથી ઘણાં લોકો સ્વસ્થ અને સક્રિય જીવન માટે પૂરતાં પ્રમાણમાં ઊંઘ લેવાનાં મહત્ત્વને નજર અંદાજ કરે છે. તાજેતરમાં તા.૧૫મી માર્ચે વર્લ્ડ સ્લીપ ડેની બહુ જાગૃતતા કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે શહેરની એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો.કાશ્મીરા ઝાલાએ જણાવ્યું કે, અપૂરતી ઉંઘ જીવનશૈલી સંબંધિત સમસ્યાથી વધારે નુકસાનકારક છે. ખાસ કરીને પૂરતી ઉંઘને નજર અંદાજ કરવી એ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તાજેતરના એક અભ્યાસમાં ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરતાં કિશોર વયનાં છોકરાં-છોકરીઓ ઓછી ઊંઘ લેતા હોવાનું તારણ સામે આવ્યું છે, ત્યારે સમાજમાં પૂરતી ઉઁઘ લેવા બાબતે જાગૃતતા કેળવાય તે જરૂરી છે. તેમણે વધુમાં જમાવ્યું કે, વર્લ્ડ સ્લીપ ડે એક વાર્ષિક ઇવેન્ટ છે, જે ઊંઘ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સમસ્યાઓને ધ્યાનમાં લાવે છે, જેમાં દવા, શિક્ષણ અને સામાજિક પાસાંઓ સામેલ છે. વર્લ્ડ સ્લીપ સોસાયટીની વર્લ્ડ સ્લીપ ડે કમિટી દ્વારા આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ ઊંઘ સાથે સંબંધિત સમસ્યાઓનું વધુ સારી રીતે નિવારણ અને સારવાર કરીને સમાજ પર ઊંઘની સમસ્યાઓનું ભારણ ઘટાડવાનો છે. ચાલુ વર્ષે વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી તા.૧૫ માર્ચનાં રોજ કરવામાં આવી હતી, જેની થીમ હેલ્ધી સ્લીપ, હેલ્ધી એજિંગ હતી. વર્તમાન પેઢીની હથેળીમાં અને આંગળીનાં ટેરવે આખું જગત છે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, સ્માર્ટ ફોન્સ અને અન્ય ગેઝેટ્સ આપણને માહિતી અને મનોરંજનની અમર્યાદિત સુલભતા પ્રદાન કરે છે. જોકે આ આશીર્વાદરૂપ સુવિધા અભિશાપરૂપ પણ છે. અમદાવાદની અપોલો હોસ્પિટલ્સ સીનિયર કન્સલ્ટન્ટ, પલ્મોનોલોજિસ્ટ, ડો.કાશ્મીરા ઝાલાએ ઉમેર્યું કે, અત્યારે લોકો ટેકનોલોજી પર નિર્ભર થઈ ગયા છે, જેની અસરો નુકસાનકારક છે. પણ આપણે એને ધ્યાનમાં લેતાં નથી કે નજરઅંદાજ કરીએ છીએ. તાજેતરમાં થયેલો એક અભ્યાસ દર્શાવે છે કે, ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરતાં કિશોર વયનાં છોકરાં-છોકરીઓ ઓછી ઊંઘ લે છે એવી વધારે શક્યતા છે. સ્માર્ટફોનની બ્લૂ લાઇટને મગજ સૂર્યપ્રકાશ ગણે છે, જે આપણને ઊંઘ લાવવામાં અને પર્યાપ્ત ઊંઘ લેવામાં મદદરૂપ અંતઃસ્ત્રાવ મેલાટોનિનનાં ઉત્પાદનની પ્રક્રિયાને ધીમી પાડે છે. આ સંજોગોમાં દરેક વ્યકિતએ પૂરતી ઉઁઘ લેવી અનિવાર્ય અને જરૂરી છે.

(10:00 pm IST)