Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ફરિયાદીને ૨૪ હજારનું વળતર ચૂકવવા મ્યુઝિક ક્લાસને હુકમ

શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો : ફી લીધા બાદ મ્યુઝિકની તાલીમ નહી આપનારા મ્યુઝિક કલાસીસ સામે અમદાવાદ શહેર ગ્રાહક ફોરમ લાલઘૂમ

અમદાવાદ,તા. ૧૭ : સગીર પુત્રીને મ્યુઝિકની તાલીમ માટે મ્યુઝિક કલાસમાં પૂરેપૂરી બે વર્ષની ફી એડવાન્સમાં એકસાથે ભરી દેવા સાથે મોકલ્યા બાદ પણ કલાસીસમાં ટયુટર કે સંગીત શિક્ષકની વ્યવસ્થા નહી કરી સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી હોવાની એક ગંભીર ફરિયાદ એક પિતાએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાખલ કરી હતી અને કસૂરવાર મ્યુઝિક કલાસીસ અને તેના સંચાલકો પાસેથી ભરેલી ફી અને માનસિક ત્રાસનું વળતર માંગ્યું હતું. જેની સુનાવણીના અંતે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ(મુખ્ય)ના પ્રમુખ એલ.એસ.રબારી અને સભ્ય એચ.જે.ધોળકીયા તથા શ્રીમતી વી.એ.જેરોમે ફરિયાદી પિતાને સને ૨૦૧૭-૧૮ના વર્ષ માટે ભરેલી પૂરી ફી રૂ.૨૪ હજાર ફરિયાદ દાખલ કર્યા તારીખ તા.૧૬-૩-૨૦૧૮થી ચૂકવી આપે ત્યાં સુધી વાર્ષિક આઠ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા પ્રતિવાદી મ્યુઝિક કલાસ અને તેના સંચાલકોને ફરમાન કર્યું છે. વધુમાં, સામાવાળાઓને પ્રસ્તુત કેસમાં ફરિયાદીને લાગેલ માનસિક ત્રાસ અને આઘાતના વળતર પેટે રૂ.ત્રણ હજાર અને અરજીના ખર્ચ પેટે રૂ.૩૦૦૦ ચૂકવી આપવા પણ ફોરમે ફરમાન કર્યું હતું. આ કેસની વિગત એવી છે કે, શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં કર્ણાવતી સોસાયટી ખાતે રહેતા ફરિયાદી મૌલિક મહેન્દ્રભાઇ શાહે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મેમનગર ફાયર સ્ટેશન પાસે અક્ષર આર્કેડમાં આવેલ વાયબ્રેશન એકેડમી ઓફ મ્યુઝિક સ્કૂલ, તેના ફાઉન્ડર રીતેશ એસ.ઉપાધ્યાય અને ભાગીદાર સૌરીન એસ.ઉપાધ્યાય વિરૂધ્ધ મહત્વની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદી તરફથી એડવોકેટ એન.એસ.પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ તેમની દિકરી પ્રીસા નવ વર્ષની હતી ત્યારથી તેને મ્યુઝિકમાં ખૂબ રસ હોવાથી ઉપરોકત મ્યુઝિક કલાસમાં સને ૨૦૧૦માં કી બોર્ડ શીખવા મૂકી હતી. ફરિયાદીની પુત્રી કી બોર્ડ વગાડતા શીખી ગઇ હતી અને તેની મ્યુઝિકની તાલીમ ૨૦૧૫ સુધી ચાલુ રાખી હતી. તેણીએ મ્યુઝીકની પરીક્ષા પણ પાસ કરી હતી. જો કે, એ પછી મ્યુઝીકનો અભ્યાસ વધુ આગળ કરવાના હેતુથી ફરિયાદીએ ઉપરોકત મ્યુઝિક કલાસીસના સંચાલકનો સંપર્ક કરતાં તેમણે એકેડમીક વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ની ફી એકસાથે ભરો તો ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી હતી અને તેથી ફરિયાદીએ તેમની વાતમાં વિશ્વાસ રાખી બંને વર્ષની ફી પેટે તેમની પુત્રીને મ્યુઝીક શીખવા માટે રૂ.૨૪-૨૪ હજારની ફી ભરી દીધી હતી. જો કે, ત્યારબાદ ફરિયાદીની પુત્રી મ્યુઝિકના આગળના અભ્યાસ માટે ૨૦૧૬-૧૭ના વર્ષમાં શરૂઆત કરી ત્યારે મ્યુઝિક કલાસમાં ટયુટર સમયસર હાજર નહી હોવાની તેમ જ યોગ્ય ટયુટર નહી હોવા સહિતની ફરિયાદો સામે આવી હતી. એક તબક્કે તેને કલાસીસમાં અગાઉ જે શીખવાડયું હતુ, તેની પ્રેકટીસ માટે જ કહેવાતું હતુ અથવા કોઇ સિનિયર વિદ્યાર્થી તાલીમ આપતા હતા. ટૂંકમાં, ફરિયાદીની પુત્રીને મ્યુઝિકની પૂરતી અને યોગ્ય તાલીમ નહી મળવાથી તેનો કોન્ફીડેન્સ પણ ડગી ગયો. મ્યુઝિક કલાસમાં કોઇ યોગ્ય ટયુટર જ એપોઇન્ટ કરવામાં આવ્યા ન હતા. આ મામલે ફરિયાદીએ જયારે કલાસીસના સંચાલકોને રજૂઆત કરી તો તેમણે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું હતું અને તેમની દિકરીને કલાસમાં નહી મોકલવા જણાવી દીધું હતું.

આમ, સામાવાળાએ યોગ્ય ટયુટરની વ્યવસ્થા નહી કરીને તેમ જ તેમની પુત્રીને તાલીમ નહી આપીને સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ આચર્યા હોઇ ફોરમે સામાવાળાઓ વિરૂધ્ધ યોગ્ય હુકમ જારી કરવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ઉપરમુજબ હુકમ કર્યો હતો.

 

(10:01 pm IST)