Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સૌની યોજના એ સરકારના ભ્રષ્ટાચારની ફારસ યોજના

કોંગ્રેસના પાણીના ગેરકાયદે કારોબારને લઇ આક્ષેપ : સૌની યોજના ભાજપ દ્વારા ગુજરાતના મતદારોને ગુમરાહ કરવા માટેનું માત્ર એક નાટક : જાહેરાતો કાગળ પર રહી

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી સમયે રૂ.દસ હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો નર્મદાના પાણીથી છલોછલ ભરાશે તેવી મોટી વાતો કરી હતી પરંતુ આજે રાજયના સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના ડેમો તળિયાઝાટક છે. ખુદ સેન્ટ્રલ વોટર કમીશને ગુજરાત સરકારની તા.૨૮-૧૨-૨૦૧૬ની સૌની યોજના માટેની રૂ.૬૩૯૯ કરોડની દરખાસ્ત સામે અનેક પ્રશ્નાર્થ કર્યા હતા. ગુજરાતમાં રૂ.દસ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો છે. પાણીના જથ્થાનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે થઇ રહ્યો છે. સૌની યોજના એ ભાજપ દ્વારા મતદારોને ગુમરાહ કરવા માટેનું એક ફારસ-નાટક અને ભ્રષ્ટાચારની યોજના છે એ મતલબના ગંભીર આરોપ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ લગાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ નર્મદાના નીરથી ડેમો ભરી દેવાની અને નદીઓના લીન્કેજ કરવાની પોકળ જાહેરાતો કરે છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહે છે, ભાજપ સરકાર માત્ર નાટક કરે છે અને રાજયની પ્રજા સાથે છેતરપીંડી કરી રહી છે. સૌની યોજના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતાં કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ સરકાર પાસે ગુજરાતની જનતાને જવાબ આપવા માંગણી કરી છે કે, સૌની યોજના જૂન ૨૦૧૬માં ૧૧૫ ડેમોમાં લીન્કેજ થઇ જશે તેવી જાહેરાત મોદીએ કરી તો, આજે કેટલું કામ પૂર્ણ થયું છે, સૌની યોજનાની વહીવટી મંજૂરી રૂ.દસ હજાર કરોડની હતી તો, કામ ૫૦ ટકા પણ પૂરું થયું નથી. તો અત્યારસુધીમાં રૂ.૧૨ હજાર કરોડ કરતાં વધુ ખર્ચ કેમ થયો, સૌની યોજનાનું કામ જૂન ૨૦૧૬ સુધીમાં પૂર્ણ કરી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો પાણીથી ભરી દેવાના હતા તો કેટલા ડેમમાં પાણી ઉદ્ઘાટન કરવા માટે નાંખવામાં આવ્યું, નર્મદાની કેનાલો વર્ષો સુધી તૂટે નહી તેવી ડિઝાઇનો હોવાછતાં નર્મદા કેનાલમાં વારેઘડીયે કેમ ગાબડા પડે છે, ક્ચ્છને એક મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાનું કામ શા માટે એક ઇંચ પણ થયું નથી, ૨૪ વર્ષ ભાજપ ગુજરાતમાં સત્તા પર રહ્યું અને ૧૩ વર્ષ સુધી મોદી સત્તામાં રહ્યા છતાં નર્મદાની કેનાલનું કામ બાકી શા માટે, ઉદ્યોગોના નામે નર્મદા કમાન્ડ એરિયા ૨૮ હજાર ભાલ વિસ્તારમાં અને ૧૩ હજાર સાણંદમાં અન્ય વિસ્તારોમાં હજારો હેકટર કમાન્ડ એરિયા કેમ ઘટાડી દેવાયો, નર્મદાના પાણીથી ૧૮ લાખ હેકટર ખેતીની જમીનને સિંચાઇ કરવાના આયોજન સામે માત્ર ચાર લાખ હેકટર જમીનમાં જ સિંચાઇનું પાણી મળે છે તો બાકીની જમીનમાં સિંચાઇનું પાણી પહોંચાડવામાં સરકાર કેમ નિષ્ફળ રહ્યા છે. સરકારે ગુજરાતની જનતાને આ તમામ સવાલોનો જવાબ આપી વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

(9:57 pm IST)