Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગુજરાતની ચૂંટણીમાં યુવા મતદારોની ભૂમિકા રહેશે

૧૮-૧૯ વયગ્રુપમાં ૭.૬ લાખ મતદારો નોંધાયા : ૨૦-૨૯ વર્ષની વયના નોંધાયેલા મતદારોની સંખ્યા ૯૮ લાખ : કુલ ૪.૪૭ કરોડ મતદાર મતદાન માટે સુસજ્જ

અમદાવાદ, તા. ૧૭ : લોકસભાની ચૂંટણીને લઇને તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે વયગ્રુપની વાત કરવામાં આવે તો આ વખતે ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૭.૬૭ લાખ જેટલી નોંધાઈ ચુકી છે. મતદાર યાદીને ધ્યાનમાં લેવામાં આવે તો જાન્યુઆરી સુધીમાં ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ઉલ્લેખનીયરીતે નોંધાઈ છે જ્યારે ૨૦થી ૨૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૯૮ લાખ જેટલી નોંધાઈ છે. વસતી વધારા રેટ ઉપર આધારિત વસતી વધારાના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૨૫ લાખ જેટલા મતદારો ઉમેરાઈ ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉમેરાયેલા રજિસ્ટ્રેશનની વાસ્તવિક સંખ્યા અલબત્ત ઓછી નોંધાઈ છે. જે અંદાજ રાખવામાં આવ્યો હતો તેના કરતા ૧૭ લાખ જેટલા મતદારો ઓછા નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત માટેના નોંધાયેલા મતદારોની સંખ્યા અંદાજ કરતા ૧૭ લાખ કરતા ઓછી નોંધાઈ છે. આ આંકડો વસતીના અંદાજ મુજબ ૨૫ લાખની આસપાસ હોવાની જરૂર હતી જેની સામે ખુબ ઓછો આંકડો નોંધાયો છે. જો કે, યુવા મતદારોની ભૂમિકા ચૂંટણીમાં ખુબ મહત્વપૂર્ણ રહેનાર છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણનનું કહેવું છે કે, વસતી અંદાજથી મળેલા આંકડા જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે વાસ્તવિક આંકડા સુધી મેળ ખાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. વયગ્રુપની વાત કરવામાં આવે તો ૨૦૧૪ની ચૂંટણીમાં ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૧૧.૬ લાખ જેટલી હતી. જ્યારે ૨૦થી ૨૯ વર્ષના વયના મતદારોની સંખ્યા ૨૦૧૪માં ૧.૦૩ કરોડ અને ૨૦૧૯માં આ સંખ્યા ૯૮ લાખ જેટલી નોંધાઈ છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ૨૦૧૪માં ૪.૦૫ કરોડ હતી જેની સામે વધીને ૪.૪૭ કરોડ થઇ છે. આવી સ્થિતિમાં કહી શકાય છે કે, મતદારોની સંખ્યા અપેક્ષાની સરખામણીમાં ઓછી નોંધાઈ છે. આના માટે વિવિધ પરિબળો પણ દેખાઈ રહ્યા છે જેમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યોમાંથી આવેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જાણકાર લોકો માને છે કે, એકલા અમદાવાદમાં જ આ સંખ્યા લાખોમાં હોઈ શકે છે. આ પ્રકારના મતદારો મતદાન માટે તેમના સંબંધિત રાજ્યોમાં પરત ફરતા નથી.

વયગ્રુપમાં મત હિસ્સો

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં પણ  મતદાનને લઇને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સૌથી વધુ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો ૩૦થી ૩૯ વર્ષની વયમાં સૌથી વધુ ૧.૧૫ કરોડ મતદારો રહેલા છે અને આ મતદારો નિર્ણાયક પુરવાર થશે. ગુજરાતમાં વયગ્રુપની મત હિસ્સેદારી

૨૦૧૪ અને ૨૦૧૯માં નીચે મુજબ છે.

વય

૨૦૧૪

૨૦૧૯

૧૮-૧૯

૧૧.૬ લાખ

૭.૬ લાખ

૨૦-૨૯

૧.૦૩ કરોડ

૯૮ લાખ

૩૦-૩૯

૧.૦૨ કરોડ

૧.૧૫ કરોડ

૪૦-૪૯

૭૯.૩ લાખ

૮૯.૮ લાખ

૫૦-૫૯

૫૬.૧ લાખ

૬૭.૨ લાખ

૬૦-૬૯

૩૨.૨ લાખ

૭૦.૭ લાખ

૭૦-૭૯

૧૬ લાખ

૨૦.૭ લાખ

૮૦-૮૯

૪.૩ લાખ

૬.૧ લાખ

૯૦-૯૯

૬૦ હજાર

૮૬ હજાર

૯૯ પ્લસ

૮ હજાર

૭ હજાર

 

(8:21 pm IST)