Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ટ્રમ્પ યાત્રા : યુએસ સિક્રેટ સર્વિસના જવાનો પહોંચ્યા

ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ધામા નંખાયા : ટ્રમ્પની અમદાવાદ યાત્રાને લઇને સુરક્ષા પાસાની સમીક્ષા તમામ જગ્યાઓ ઉપર પહેલાથી જ પોલીસ જવાનો તૈનાત

અમદાવાદ, તા. ૧૮ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની યાત્રાએ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. ચારેબાજુ કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે તથા મોટેરા સ્ટેડિયમ તેમજ મોદી અને ટ્રમ્પના કાફલા તરફ દોરી જતાં માર્ગો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસ જવાનો અને સુરક્ષા જવાનો પહેલાથી જ મોરચા સંભાળી ચુક્યા છે. ગાંધી આશ્રમ ખાતે પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાંઆવી છે. માત્ર ભારતની સુરક્ષા સંસ્થાઓ,પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા સાથે સંબંધિત લોકો જ તમામ પાસાની  પાસાની ચકાસણી કરી રહ્યા નથી. તેમની સાથે સાથે હવે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની યાત્રાને લઇને એનએસજીના કમાન્ડો ઉપરાંત અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્સીના જવાનો પણ ગાંધી આશ્રમમાં ધામા નાંખી ચુક્યા છે અને તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે.

         આજે ટ્રમ્પની યાત્રાને ધ્યાનમાં રાખી સુરક્ષા પાસાઓને લઇને મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં તમામ વરિષ્ઠ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ સુરક્ષા જવાનોની તૈનાતીનો નિર્ણય થઇ ચુક્યો છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ ડીસીપી વિજય પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ આઇપીએસ, ૨૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ અને ૧૦૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોને લઇ સુરક્ષા વ્યવસ્થામાં ખડકાશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તમામ મહાનુભાવોની ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી નોંધનીય વાત એ છે કે, મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને કોઇને પણ જવા દેવામાં આવશે નહી.

(8:34 pm IST)