Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરતમાં ડોન સુર્યા મરાઠીની હત્યા તેના જ અંગત માણસોએ કરી હતીઃ સફી શેખ સહિત ૩ની ધરપકડ

સુરત :સુરતમાં માથાભારે ગણાતા ડોન સૂર્યા મરાઠીની હત્યા અંગે મોટો ખુલાસો થયો છે. અંગત માણસોએ જ સૂર્યા મરાઠીની હત્યા કરી છે. સૂર્યાના ખાસ ગણાતા સફી શેખની ધરપકડ કરવામાં આવી છે. સફી સાથે અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ગત બુધવારે જેલમાંથી છૂટેલા માથાભારે સૂર્યા મરાઠીની હત્યા થઈ હતી. હથિયારો સાથે તૂટી પડેલા 6-7 શખ્સોએ સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં હત્યા કરી હતી. હત્યા કરીને ભાગનાર હાર્દિક પટેલની પણ સૂર્યા મરાઠીના સાગરિતો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

ગત અઠવાડિયે ગેંગવોરની આ ઘટનાએ સુરતમાં ચકચાર મચાવી હતી. સૂર્યા મરાઠીની તેની ઓફિસમા ક્રુરતાપૂર્વક હત્યા કરવામા આવી હતી. આ હત્યામાં સૂર્યાના જ માણસો પણ શંકાના દાયરમાં આવી ગયા હતા. તેથી પોલીસે સૂર્યાના અંગત માણસોની પૂછપરછ આદરી હતી. આ પૂછપરછ બાદ પોલીસે સૂર્યાનો ખાસ સાથી શફી શેખની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે અમોલ ઝીણે, રોહિત ઉર્ફે મુન્ના દુધવાલા અને વિકાસ મગરેની પણ ધરપકડ કરી છે.

જેલમાં બંધ સૂર્યાની ગેરહાજરીમાં ગેંગ ચલાવતા હાર્દિેક સૂર્યાના માણસોને પોતાના તરફ કરી લીધા હતા. સૂર્યાને રહેંસી નાંખનાર હાર્દિક પણ સૂર્યાનો ખાસ સાથી હતો, તેથી હાર્દિકની સાથે હત્યામાં ગેંગના જ અન્ય લોકો પણ સામેલ હોય તેવી પોલીસને શંકા હતી. ત્યારે હવે શફી શેખ પણ પોલીસ પકડમાં આવી ગયો છે. શફી શેખ સૂર્યાનો તમામ ગોરખ વહીવટ સંભાળતો હતો. તે સૂર્યાની હત્યાનો ફરિયાદી બન્યો હતો. આમ, સૂર્યાની હત્યાનો ફરિયાદી જ હત્યાનો આરોપી નીકળ્યો. હત્યાના દિવસે અમોલ ઝીણે સૂ6ર્યાની ઓફિસની બહાર બેઠો હતો. હત્યા માટે ઝીણેએ જ હાર્દિકને સૂર્યાની ટીપ આપી હતી.

સૂર્યા મરાઠીની હત્યામાં તેના અન્ય સાથીઓ પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે સુરત પોલીસ સૂર્યાના ખાસ કહેવાતા જયેશ પોલની પણ હત્યામાં સંડોવણી હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

હાર્દિકની બર્થડેમાં થયું હતું હત્યાનું ષડયંત્ર

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, સૂર્યાને રહેંસી નાંખનાર હાર્દિકની બર્થડે પાર્ટીમાં હત્યાનું ષડયંત્ર રચાયું હતું. આ સમયે હાર્દિકના માણસોની સાથે સૂર્યાના કેટલાક સાથીઓ પણ હાજર રહ્યા હતા. 2 ફેબ્રુઆરીના રોજ રચાયેલા ષડયંત્રને દસ દિવસ બાદ 12 ફેબ્રુઆરીના રોજ અંજામ આપવામાં આવ્યું હતું. તેના ચાર દિવસ પહેલા જ સૂર્યા જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો.

(4:46 pm IST)