Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

દારૂ પીધેલાને કોર્ટે રૂ. ૨૦૦નો દંડ કરી છોડી મૂકયો

અમદાવાદ સેસન્સ કોર્ટની ઘટના

અમદાવાદ તા. ૧૮ : શહેરની સેશન્સ કોર્ટે ગુરૂવારે દારૂ પીવા બદલ શખ્સને રૂ. ૨૦૦નો દંડ કરીને છોડી દીધો હતો. રાજય સરકાર ગુજરાત પ્રોહિબિશન એકટમાં ૨૦૧૭માં થયેલા સુધારા અંતર્ગત શખ્સને ૧ મહિનાની જેલની સજા આપવાની માંગ કરી રહી હતી. કોર્ટે દંડ આપીને કાયદાનો ભંગ કરનારને એક દિવસ કોર્ટમાં બેસવાની સજા આપી છોડી મૂકયો હતો.

ખાડિયાના રહેવાસી ભરતભાઈ વૈષ્ણવ ગયા વર્ષે દારુ પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા અને તેમની સામે પ્રોહિબિશનના કાયદા અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. મેટ્રોપોલિટન કોર્ટ નં ૪માં ૧૮ મે ૨૦૧૮ના રોજ વૈષ્ણવે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે ગુજરાત હાઈ કોર્ટની ૨૦૦૫ની ગાઈડલાઈન્સ ટાંકતા કહ્યું કે જો આરોપી પોતાનો નાનો-મોટો ગુનો સ્વીકારી લે તો કોર્ટ તેને જેલની સજાને બદલે માત્ર દંડ કરીને છોડી શકે છે.

રાજય સરકારે દલીલ કરે કે બોમ્બે પ્રોહિબિશન એકટ હવે બદલીને ગુજરાત પ્રોહિબિશન એકટ કરી દેવાયો છે. તેમાં માર્ચ ૨૦૧૭માં સુધારા કરવામાં આવ્યા હતા અને દારૂ પીવા બદલ તેમાં આકરામાં આકરી સજાની જોગવાઈ છે. રાજયમાં આદર્શ સમાજની રચના માટે, શાંતિ જાળવી રાખવા માટે દારુબંધીના કાયદાનો કડક અમલ થાય તે જરૂરી છે.

રાજય સરકારની વાત સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ પી સી ચૌહાણે જણાવ્યું કે પુરાવાને ફરી તપાસવાની જરૂર નથી કારણ કે આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. સજાની યોગ્યતા અંગે તેમણે કહ્યું, 'અમુક સંજોગોમાં જો કોર્ટને યોગ્ય લાગે તો તે જેલની સજા અને દંડ કરતા ઓછી સજા ફટકારી શકે છે.' સેશન કોર્ટે આ માટે ગુજરાત હાઈ કોર્ટનો ૨૦૦૫નો ઓર્ડર ટાંકયો હતો. તેમણે જણાવ્યું કે એ સમયે પરિસ્થિતિ સરખી જ હતી અને સરકાર પ્રોહિબિશનના કેસમાં હળવી સજા થાય તે સામે અપીલ ફાઈલ કરી રહી હતી. કોર્ટે વધુમાં જણાવ્યું, 'આવા પ્રકારના પેન્ડિંગ કેસો રાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય છે. આ ગુનો નાનો ગણાય.' કોર્ટે વધુમાં જણાવ્યું, 'પરિસ્થિતિ જોતા અને હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં રાખતા ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય છે. ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડરને જોતા ગુજરાત પ્રોહિબિશન એકટમાં ફેરફાર બાદ પણ માત્ર દંડ કરવો યોગ્ય છે.'(૨૧.૨૯)

(3:59 pm IST)