Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

૭૪ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામને લઇ ભારે ઉત્સુકતા

બપોર સુધીમાં મોટાભાગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે : ૬૦૩૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો :ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્તેજના :નવ વાગ્યાથી મતગણતરી

અમદાવાદ,તા. ૧૮ :રાજયની ૭૪ નગરપાલિકાઓની તા.૧૭મીએ યોજાયેલી ચૂંટણીનું હવે આવતીકાલે પરિણામ જાહેર થનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્તેજના સાથે ઉત્કંઠાનો માહોલ છવાયેલો છે. બીજીબાજુ, રાજય ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા મતગણતરી સ્થળો પર લોખંડી સુરક્ષા કવચ ઉભુ કરી દેવાયું છે. જો કે, બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી સંભાવના પ્રવર્તી રહી છે. તો, આજે વલસાડ નગરપાલિકા માટેનું ફેરમતદાન યોજાયું હતુ, જેમાં મતદારોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ગઇકાલે ભારે ઉત્સાહ અને ઉત્તેજનાભર્યા વાતાવરણમાં રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલા મતદાન દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધોએ મતદાન માટે ભારે ઉત્સાહ અને રસ દાખવ્યો હતો. રાજય ચૂંટણી પંચના અસરકારક વહીવટી તંત્ર અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાંજે પાંચ વાગ્યે રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી એટલે કે, મતદાન શાંતિપૂર્ણ માહોલમાં આખરે સંપન્ન થયું હતું. મોડી સાંજ સુધી ૭૪ નગરપાલિકાઓમાં સરેરાશ ૬૨ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે ચાર વાગ્યા સુધી રાજયમાં લગભગ ૫૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજયની અમરેલીની જાફરાબાદ નગરપાલિકા અને કુલ ૫૨ બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ ગઇ હોઇ આજે રાજયની ૭૪ નગરપાલિકાના ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું અને કુલ ૬૦૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયુ હતું. હવે આવતીકાલે તમામ ૭૪ નગરપાલિકાઓના ઇવીએમ ખુલતાં જ ઉમેદવારોના ભાવિનો ફૈંસલો થઇ જશે. રાજયની ૭૪ નગરપાલિકાઓના જે પરિણામો જાહેર થવાના છે, તેમાં અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ નગરપાલિકાઓના પરિણામો પણ ભાજપ અને કોંગ્રેસની મીટ મંડાઇ છે. આવતીકાલે રાજયની અન્ય નગરપાલિકાઓના મતગણતરી સ્થળો અને કેન્દ્રો ખાતે ભાજપ-કોંગ્રેસ, અપક્ષ સહિતના ઉમેદવારો તેમના એજન્ટ સાથે હાજર રહેશે. તો સાથે સાથે તેમના ચુસ્ત સમર્થક-ટેકેદરો પણ હાજર રહેશે. વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે તેવા ઉમેદવારો અને તેમના સમર્થક-ટેકેદારોએ તો વિજય સરઘસ અને ફટાકડા ફોડી ઉજવણી કરવાની આગોતરી તૈયારી પણ કરી રાખી છે.  રાજય ચૂંટણી આયોગના સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, રાજયની ૭૪ નગરપાલિકાઓની સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. રાજયની ૭૪ નગરપાલિકાઓ ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે હવે કુલ ૬૦૩૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના સમર્થિત ૧૯૩૪, કોંગ્રેસ સમર્થિત ૧૭૮૩, અપક્ષ ૧૭૯૩ અને અન્ય ૫૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજયભરમાં કુલ ૨૫૭૮થી વધુ મતદાન મથકો પર નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. હવે આવતીકાલે સવારે ૯ વાગ્યાથી તમામ મતગણતરી કેન્દ્રો ખાતે ચૂંટણી અધિકારી, ઉમેદવારોની હાજરીમાં ઇવીએમના સીલ ખોલવામાં આવશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ જવાની સંભાવના છે.

(9:35 pm IST)