Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

કાલેથી શરૂ થતું બજેટ સત્ર તોફાની બનવાના સાફ સંકેત

ખેડૂતો, નર્મદા સહિતના પ્રશ્ને સરકારને ઘેરવા તૈયારી : ૨૦મીએ નાણાંપ્રધાન બે લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કરશે :વિપક્ષ-શાસકપક્ષ વચ્ચે ખેંચતાણના સંભાવના

અમદાવાદ,તા. ૧૮ :     આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. શાસક પક્ષ ભાજપ દ્વારા ગુજરાત રાજયના નાણાંકીય બજેટ સહિતના વિષયો વિધાનસભા ગૃહમાં પસાર કરવાની કવાયત હાથ ધરાઇ છે, તો બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપને આ વખતે દલિતઆગ, ખેડૂતો, ટેકાના ભાવ, નર્મદાનું પાણી, બેરોજગારી, મોંઘવારી સહિતના સંખ્યાબંધ પ્રશ્નોના મુદ્દે ચોતરફથી ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેના કારણે આ વખતનું વિધાનસભા બજેટ સત્ર જોરદાર તોફાની અને ઘર્ષણયુકત બની રહે તેવી પૂરી સંભાવના છે. આવતીકાલથી નવી વિધાનસભા અને નવા ધારાસભ્યો સાથે એક નવા અધ્યાયનો પ્રારંભ થશે. આ બજેટ સત્રમાં ૫૬ ધારાસભ્યો નવોદિતો છે, જે પહેલીવાર વિધાનસભા સત્રમાં ભાગ લઇ રહ્યા છે.          ગુજરાત વિધાનસભાના આવતીકાલથી શરૂ થઇ રહેલા બજેટ સત્રને લઇ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે વિધાનસભાના નવા અધ્યક્ષની નિયુકિત અને રાજયપાલના ખાસ પ્રવચન બાદ ગૃહની કાર્યવાહી હાથ ધરાય તેવી શકયતા છે. બીજા દિવસે એટલે કે, તા.૨૦મી ફેબ્રુઆરીએ નાણાં વિભાગનો હવાલો સંભાળતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજયનું આશરે રૂ.બે લાખ કરોડનું કદ ધરાવતું ખૂબ જ મહત્વનું નાણાંકીય બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પછડાટ મળી હોઇ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો ભાજપનો લગભગ સફાયો જ થઇ ગયો હોઇ ૨૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ ભાજપ દ્વારા આ વખતનું બજેટ ગ્રામીણ વિકાસ લક્ષી અને સૌરાષ્ટ્ર માટેની ખાસ યોજનાઓ સમાવતું હોય તેવી પણ પૂરી શકયતા છે. બીજીબાજુ, વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે આ વખતે કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીના હાથમાં વિપક્ષની બાગડોર છે અને વિપક્ષની ટીમમાં આ વખતે કોંગ્રેસના યુવા ધારાસભ્યોની સારી એવી તાકાત છે. તેથી આ વખતના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના યુવા ધારાસભ્યોની નવી અને ઉત્સાહી ટીમ દ્વારા ભારે જોશ અને આક્રમક વલણ સાથે તાજેતરના દલિત આત્મવિલોપનની આગ, ખેડૂતોના પાકવીમા, ટેકાના ભાવ, નર્મદાનું પાણી, બેરોજગારી, મોંઘવારી સહિતના સંખ્યાબંધ પ્રશ્નોને લઇ શાસક પક્ષ ભાજપને જોરદાર રીતે ઘેરશે અને પ્રજાના પ્રાણપ્રશ્નોની આક્રમક રજૂઆત વિધાનસભા ગૃહમાં કરશે. જેને લઇ આવતીકાલથી શરૂ થઇ રહેલું બજેટસત્ર ભારે તોફાની અને હંગામેદાર બની રહે તેવી પૂરેપૂરી શકયતા છે.

વિપક્ષ આ વખતે મજબૂત હોઇ શાસક પક્ષ ભાજપ પર તમામ રીતે હાવી થઇ જાય તેવી પ્રબળ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે તે પહેલાં જ ગુજરાત વિધાનભાના ભવનનું રૂ.૧૩૫ કરોડના ખર્ચે રિનોવેશન પણ થઇ ગયું છે. ૩૬ વર્ષ જૂના સંકુલના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં ૧૪ મહિનાનો સમય લાગ્યો છે. નવા સંકુલમાં વિધાનસભા એલિવેશનમાં થોડા ફેરફાર કરાયા છે, જેમાં બિલ્ડીંગની છત પર નવુ ગુંબજ બનાવાયું છે. મુખ્યમંત્રીની અદ્યતન સુવિધા સાથેની ચેમ્બરની સાથે કેબીનેટ ખંડ પણ બનાવાયો છે. તો મહિલા અને પુરૂષ ધારાસભ્યો માટે અલગ અલગ લોન્જ બનાવાઇ છે. ગૃહમાં આધુનિક ઓડિયો સીસ્ટમ, સીસીટીવી કેમેરા, ટીવી સ્ક્રીન મૂકાયા છે.

(9:31 pm IST)