Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ઉત્તર ગુજરાતના સાત જિલ્‍લામાં સુઝલામ-સુફલામ સિંચાઇનું પાણી બંધ કરાશે : ખેડૂતોમાં રોષ

મહેસાણા : મહેસાણાના કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતા સિંચાઈ વિભાગ દ્વારા સાત જિલ્લાઓને ઉનાળા દરમિયાન સુઝલામ-સુફલામ કેનાલમાંથી અપાતુ પાણી બંધ કરવામાં આવશે તો મહિસાગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદ જિલ્લાના ખેડૂતો પર પડશે. એટલે કે જિલ્લાના ખેડૂતોને ઉનાળામાં સુઝલામ-સુફલામ નહેરમાંથી મળતુ પાણી નહીં મળે. જેથી ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે નહીં.

અત્યાર સુધી જિલ્લાઓમાં કડાણા ડેમમાંથી ખેડૂતોને સુઝલામ-સુફલામ કેનાલ મારફતે સિંચાઈનુ પાણી અપાતુ હતુ, પરંતુ ચાલુ વર્ષે કડાણા ડેમમાં જળ સપાટી ખૂબ ઝડપથી ઘટી રહી છે ત્યારે ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તે માટે સિંચાઈનુ પાણી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

મહત્વનુ છે કે ગુજરાતમાં પાણીની તંગીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસ અગાઉ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ ઉનાળુ પાક લે. અત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પાણીની તંગી જોવા મળી રહી છે. તેમજ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર ડેમમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે. જેથી આગામી ઉનાળો મુશ્કેલ બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(2:36 pm IST)