Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મુખ્‍ય ટ્રેકથી ૧૭.પ મીટર જમીન સંપાદન કરાશેઃ ટ્રેન ૬ માળ ઉંચા અેલિવેટેડ ટ્રેક ઉપરથી દોડશે

મોદી સરકારના અતિમહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટની ડેડલાઇન ર૦રરને ધ્યાને રાખીને સમગ્ર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા ગુજરાત સરકારે કમર કસી લીધાનું જોવા મળી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેનના રૂટ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજય સરકારના રેવન્યુ વિભાગે બુલેટ ટ્રેનના રૂટમાં આવતા વડોદરાથી આણંદ, ખેડા, અમદાવાદ સુધીના ૪પ ગામડાઓને જાહેર હિતના કામ માટે જમીન સંપાદન કરવા અંગે પ્રાથમિક નોટિફિકેશન ઇશ્યૂ કરી દીધા છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેન અંગેની કામગીરી સંભાળી રહ્યું છે. આથી બુલેટ ટ્રેનના રૂટના વધુ ર૭ ગામોને પણ નોટિફિકેશન પાઠવવાની તૈયારી હાથ ધરવામાં આવ્યાનું રેલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

પ્રાપ્ત વિગતો મુજબ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કાર્યવાહી જમીન સંપાદન, પુર્નવસવાટ અને પુર્નવસવાટમાં યોગ્ય વળતર તેમજ પારદર્શિતા કાયદો (ગુજરાત અમેન્જમેન્ટ) અંતર્ગત કરવામાં આવશે. નોંધનીય છે કે ઓગસ્ટ, ર૦૧૬માં કાયદો અમલી બન્યા બાદ પ્રથમ વખત કોઇ મોટા પ્રોજેકટ માટે જમીન સંપાદનની કામગીરી થઇ રહી છે

કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવેલ કેટલીક આકરી શરતો, જેમાં ખેડૂતની મંજૂરીથી અને જમીન સંપાદનથી વિસ્તાર પર પડતી સોશિયલ ઇમ્પેકટ જેવી ફરજિયાત શરતોને ગુજરાત સુધારા બીલ દ્વારા હળવી બનાવવામાં આવી છે. જેથી સરકારી પ્રોજેકટ માટે સરળતાથી જમીન સંપાદન થઇ શકે. ગત સપ્ટે.માં વડાપ્રધાન મોદી અને જાપાનીઝ વડાપ્રધાન શિંઝો આબેના હસ્તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. અંદાજીત .૦૮ કરોડના પ્રોજેકટ માટે જાપાન નાણાંકીય અને ટેકનીકલ સહાય આપી રહ્યું છે. નોંધનીય છે કે પ્રોજેકટ માટે રેલ તંત્ર નહીં પરંતુ સ્પેશ્યલ બનાવવામાં આવેલ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે સમગ્ર પ્રોજેકટના મોનેટરીંગ માટે ત્રણસ્તરીય વ્યવસ્થા ગોઠવી છે.

હાલ અમદાવાદ-મુંબઇ રેલવે લાઇનના મુખ્ય ટ્રેકથી અંદાજીત ૧૭. મીટર દૂર બુલેટ ટ્રેન માટે જમીન સંપાદિત કરવામાં આવશે. બુલેટ ટ્રેનનો ટ્રેક એલીવેટર હોવાથી સંપાદિત કરેલી જમીન માત્ર પીલ્લર માટે ઉપયોગી થશે. એલીવેટર ટ્રેકના કારણે લોકોની વધુ જમીન પ્રોજેકટ પાછળ નહીં જાય તેવો મત પણ વ્યકત થઇ રહ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની પ્રકિયાના ભાગરૂપે સંભવિત ગામોના ખેડૂતો અને લોકોને જાણ કરતા પત્ર મોકલવાની શરૂઆત થઇ છે. ઉપરાંત જયાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે તે વિસ્તાર, ગામોના લોકોને એકત્ર કરીને બેઠક પણ યોજવામાં આવશે.

મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સંદર્ભ એનએચએસઆરસીની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ સુધીના રેલ રૂટ પર છેલ્લા કેટલાક સમયથી ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં સ્થળ, સ્થિતિ ચકાસીને વડોદરામાંથી એલિવેટેડ ટ્રેક પસાર કરવાનું નકકી થયાનું જાણવા મળે છે. ટ્રેકની જમીનથી ઊંચાઇ ૧૮ મીટર રહેશે, એટલે કે આશરે માળ જેટલી રહેશે. એલિવેટેડ ટ્રેકના કારણે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની માથાકૂટમાંથી તંત્રને છૂટકારો મળશે. ઉપરાંત એલિવેટેડ ટ્રેકના કારણે રેલ રૂટ પરના હજારો મકાનો સહિતના બાંધકામ તોડાશેનો ભય દૂર થયો છે. જાણવા મળ્યાનુસાર એનએચએસઆરસીની ટીમ દ્વારા સુરતમાં સર્વની કામગીરી પૂર્ણ કર્યા બાદ વડોદરાથી અમદાવાદના રેલ રૂટની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(6:57 pm IST)