Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પંચાયતમાં કૌટુંબિક ભાઈઓના ઝગડાને રાજકીય રંગ અપાયો

દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે કિન્નાખોરી : પોલીસે નિયમ વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ધારાસભ્યએ કરેલા આક્ષેપથી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો

દંત્રાલ, તા. ૧૮ : પોશીના તાલુકાની દંત્રાલ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તને મામલે સરકારની કિન્નખોરી દેખાઈ આવી છે. આ પંચાયતમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેના ઝગડાને રાજકીય રંગ આપી દેવાયો છે. જેમાં પોલીસે નિયમની વિરુદ્ધ જઇને કરેલી કાર્યવાહીનો ખેડબ્રહ્મા-જયનગરના ધારાસભ્યએ કરેલા આક્ષેપથી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ધારાસભ્ય અશ્વિન કોટવાલનું કહેવું છે કે, ગ્રામપંચાયત કક્ષાએ અવિશ્વાસની દરખાસ્ત જેવી સામાન્ય બાબતો અંગે પોલીસે અગાઉથી કેવી રીતે ખબર પડી અને ટીયર ગેસના જથ્થા સાથે ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના સ્ટાફ સાથે તાબડતોડ દંત્રાલ કેવી રીતે આવી ગયા તેના પરથી લાગે છે કે આ મામલો રાજકીય છે. સાથોસાથ પોલીસે આવીને ટોળાને વિખેરવા માટે પ્રથમ ટીયર ગેસના સેલ છોડવાને બદલે હવામાં ફાયરિંગ કર્યું છે તે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે.

આ આદિવાસી અગ્રણીઓએ પોલીસ અને સરકારને ચેતવાનીના સુરમાં જણાવ્યું છે કે, જો ધારાસભ્યને દંત્રાલ આવતા અટકાવવામાં આવશે તો અમે તે સાંખી લઈશું નહીં અને જરૂર પડે તો હિંમતનગર અંબાજી હાઇવે પણ ચક્કાજામ કરી દઈશું. સાથો સાથ દંત્રાલ ગામ પંચાયત પરિસરમાં ટોળાને વિખેરવાના બહાને સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરનાર પોલીસ અધિકારી સામે તાત્કાલિક સખ્ત કાર્યવાહી કરીને યોગ્ય પગલાં લેવાનું પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દંત્રાલના મામલે રવિવારે ધારાસભ્યના નાતે મુલાકાતે નીકળેલા અશ્વિન કોટવાલને પોલીસે ડિટેન કરીને હિંમતનગર 'એલ્લ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નજરકેદ રાખ્યા હતા.

(7:46 pm IST)