Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સાબરમતી ટ્રેનના નરસંહારના આરોપી ફારૂક ભાણાના વચગાળાના જમીન હાઇકોર્ટે 22મી સુધી લંબાવી આપ્યા

પુત્રના લગ્નમાં થયેલ ખર્ચની ચૂકવણી માટે વચગાળા જામીન લંબાવી આપવામાં રજૂઆતને માન્ય રાખી

અમદાવાદ: સાબરમતી ટ્રેન નરસંહારના આરોપી ફારૂક ભાણા તરફે વચગાળા જામીન અરજી લંબાવવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેના પુત્રના લગ્નમાં થયેલ ખર્ચની ચૂકવણી માટે વચગાળા જામીન લંબાવી આપવામાં આવે. કોર્ટે આ વાતને માન્ય રાખતા 22મી જાન્યુઆરી સુધી આરોપીના વચગાળાના જામીન લંબાવી આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે આરોપીના વચગાળા જામીન હવે લંબાવવામાં આવશે નહિ. કોર્ટે આરોપીને 23મી જાન્યુઆરીના રોજ જેલ સતાધીશો સમક્ષ સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે

અગાઉ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે તેના પુત્રના લગ્ન 1લી જાન્યુઆરી 2021 થી 5 જાન્યુઆરી 2021 વચ્ચે હોવાથી તેમને વચગાળા જામીન આપવામાં આવે.

કોર્ટે આરોપીના વચગાળા જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને હાલ ચાર વર્ષ અને ચાર મહિના સુધી જેલની સજા કાપી છે. અગાઉ આરોપીને જ્યારે પણ વચગાળા જામીન આપવામાં આવ્યા છે, ત્યારે સમયસર સરેન્ડર કર્યું છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ફારૂક ભાણાના ત્રણ સપ્તાહના હંગામી જામીન મંજુર કર્યા હતાં.

હાઈકોર્ટે આરોપીને 10,000 રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સ્તધીશો સમક્ષ જમા કરવાનો નિર્દેશ કર્યો હતો. અમદાવાદ જેલ સત્તાધીશ દ્વારા 3 જૂન 2020ના રોજ બહાર કોવિડ-19 બચાવને લગતા પરિપત્ર મુજબ આરોપીને તમામ નિયમોનું પાલન કરવું પડશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચ.સી. વોરાએ વર્ષ 2002 ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નરસંહાર કેસમાં આરોપી ફારૂક ભાના અને ઇમરાન શેરુને બોગી નંબર S6માં ષડયંત્ર રચવાના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી. 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાના રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી અને તેમાં 59 કારસેવકોના મોત નીપજ્યાં હતા

(6:33 pm IST)