Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વીજ કર્મચારીઓનું આંદોલનઃ રાજ્યભરમાં કલેકટરો-નેતાઓને આવેદન અપાયાઃ ૨૧મીએ માસ સીએલ તો ૨૨મીથી બેમુદતી હડતાલનું એલાન

કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું શરૃઃ સૂર્યોદય યોજનાના બહિષ્કારની પણ જાહેરાત : કોઈ કર્મચારીની ધરપકડ થશે તો શટડાઉન કરાશે

રાજકોટ, તા. ૧૮ :. સાતમા પગાર પંચના એલાઉન્સ, એરીયર્સ, વીજ કંપનીઓના ખાનગીકરણ મુદ્દે રાજ્યના વીજ બોર્ડના ૫૫ હજાર કર્મચારીઓ-ઈજનેરોએ એલાને જંગ કર્યુ હતું. ૧૬મીએ રાજ્યભરમાં દેખાવો-સૂત્રોચ્ચાર બાદ આજથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું શરૂ કરી દીધુ છે.

દરમ્યાન ગઈકાલે વિવિધ યુનિયનોની બનેલી સંકલન સમિતિની મીટીંગ મળી હતી અને તેમા ગુરૂવાર ૨૧મીની માસ સીએલ અંગે રજા રીપોર્ટ મુકાવા અંગે સમીક્ષા કરાઈ હતી. ૫૦ હજારથી વધુ કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દીધાનું બહાર આવ્યુ છે.

દરમિયાન ગઈકાલની બેઠકમા સરકારે મંત્રણા માટે નહિ બોલાવતા યુનિયન અગ્રણીઓએ લડત ઉગ્ર બનાવી છે. આજે કલેકટર, પોલીસ કમિશ્નર, એસ.પી. ઉપરાંત પીજીવીસીએલ સહિતની કંપનીના એમ.ડી., મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને જીલ્લા-તાલુકા મથકો ઉપર આવેદનો અપાયા હતા.

તે ઉપરાંત ૨૧મીએ માસ સીએલ અને તે દિવસે સરકારના કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો, તો ૨૨મીથી બેમુદતી હડતાલનું એલાન પણ આપી દેવાતા મેનેજમેન્ટમાં સન્નાટો પ્રસરી ગયો છે.

વીજ કર્મચારીઓની ૨૧મીની માસ સીએલ અને ૨૨મીથી બેમુદતી હડતાલના એલાન સંદર્ભે રાજ્યભરમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સર્જાવે છે. લોકોની કામગીરીને પણ ગંભીર અસર થશે. તેમજ કોઈ કર્મચારીની ધરપકડ કે પગલા લેવાશે તો શટડાઉનનની યુનિયન આગેવાનોએ ચેતવણી આપી છે.

(11:59 am IST)