Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દેડિયાપાડા એ.પી.એમ.સી.ના ગોડાઉનમા ભિષણ આગ લાગતા લાખોના નુકશાનનો અંદાજ

શોર્ટ સર્કિટથી લાગેલ આગમા ગોડાઉન મા ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો ભસ્મીભૂત:જે. સી. બી. સહિતની મશીનરીથી દિવાલો તોડી આગ ઉપર કાબુ મેળવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે એ. પી.એમ સી. ના ગોડાઉનમા ભિષણ આગ લાગતા ગોડાઉનમા મુકેલ ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રુપિયાના નુકશાનનુ અનુમાન લગાવાઇ રહયું છે. શોર્ટ સર્કિટ થી લાગેલી આગ ઉપર કલાકો ની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો.
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા ખાતેની એ.પી.એમ. સી. ના ગોડાઉનમા સવારે લગભગ દશેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જે જોત જોતામાં ભયંકર સ્વરુપમા ફેરવાતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમા ભારે નાસભાગ મચી હતી. શોર્ટ સર્કિટથી લાગેલ આગમા ગોડાઉનમા ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓનો લાખો રુપિયા નો જથ્થો આગમાં સ્વાહા થયાનુ જાણવા મળ્યું છે.
આગ લાગતા જે.સી.બી. મશીનથી ગોડાઉનની દિવાલને તોડી પંચાયતના બંબા દ્વારા પાણી નો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા  જોવા મળ્યા હતા. આગ ઉપર કાબુ મેળવાયો ત્યાર બાદ રાજપીપળાથી ફાયર બ્રિગેડની ટિમ આગ ઓલવવા દેડિયાપાડા ખાતે પહોંચી હતી. ત્યા સુધીમાં ગોડાઉનનો સામાન આગને હવાલે થયો હતો.માટે આ વિસ્તારમાં ફાયર સ્ટેશન અત્યંત જરૂરી છે.

(11:17 am IST)