Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુન પ્રતિષ્ઠા સમાન છે : કૌશિકભાઈ પટેલ

આધ્યાત્મિકતા, શ્રધ્ધા અને માનવતા માટે ભારતની વૈશ્વિક ઓળખ

અમદાવાદ : ઉત્તરપ્રદેશના અયોધ્યા રામકોટમાં 2.7 એકરમાં 57.400 વર્ગ ફૂટ વિસ્તારમાં લગભગ 2200 કરોડના ખર્ચે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. શ્રી રામ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર માટે 15 મી જાન્યુઆરીથી 27 મી ફેબ્રુઆરી દરમિયાન નિધિ સમપર્ણ અભિયાન કાર્યક્રમ છે  નારણપુરા વિસ્તારમાં રામ જન્મભૂમિ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ  પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે દરેક રાષ્ટ્રને પોતાની એક આગવી ઓળખ છે. અમેરિકા તેની ટેકનોલોજી, સુચારું વ્યવસ્થા માટે ઓળખાય છે. તો ઇંગ્લેન્ડ તેના કાયદા-કાનૂનના અમલીકરણ માટે ઓળખ ધરાવે છે. તે જ રીતે ભારત તેની આધ્યાત્મિકતા, શ્રધ્ધા અને માનવતા માટે વૈશ્વિક ઓળખ ધરાવે છે

નારણપુરા વિસ્તારના શ્રી રામ જન્મભૂમિ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુન પ્રતિષ્ઠા સમાન છે. જે રીતે શરીરની ધોરીનસ કપાઇ જાય તો માણસ ન બચે તે જ રીતે મંદિરો એ ભારતની ધોરી નસ સમાન છે. જો તે જ ન બચે તો રાષ્ટ્ર પણ બચી શકશે નહીં. શ્રી રામ મંદિર માટે હજારો વર્ષના શ્રધ્ધાના સંઘર્ષ પછી સત્યનો આખરે વિજય થયો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે તેમ જણાવી તેમણે હાજર સૌને જયારે જયાં જરૂર પડે ત્યાં ઉપયોગી બનવા અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આખું વિશ્વ કોરોનાગ્રસ્ત છે. પરંતુ આપણે આપણા પુરાતન આયુર્વેદ શાસ્ત્ર અને ૠષિમુનીઓએ સૂચવેલા આધ્યાત્મિક માર્ગને કારણે આ વૈશ્વિક મહામારીનો પણ મક્કમતાથી સામનો કરી શક્યા છીએ. તેના મૂળમાં યોગ- આયુર્વેદની પુરાતન સંસ્કૃતિ રહેલી છે. પશ્ચિમના દેશો પાસે આ સંસ્કૃતિ નથી તેથી તેઓ તેની સામે ઝઝૂમી રહ્યાં છે. તેમણે કહ્યું કે, રામ જીવનકથા નથી. પરંતુ રામચરિત્ર કથા છે. રામાયણની કથામાં જીવનરૂપી તમામ સંદેશ રહેલો છે

સ્વામિનારાયણ મંદિર, ઝુંડાલના સ્વામિ પુરષોત્તમ ચરણદાસજીએ કહ્યું કે, રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિનો સમન્વય એક સાથે મંદિર સાથે જોડાયેલો છે. જે રીતે દરિયામાં ફસાયેલા વ્યક્તિ માટે દિવાદાંડી માર્ગદર્શક બને છે. તે જ રીતે ભારતીય સંસ્કુત્તિમાં મંદિરો દીવાદાંડી બની સમાજ જીવનનું માર્ગદર્શન કરે છે.

આ સમર્પણ નિધિ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહ, નારણપુરા ઝોનના હરેશ ઠક્કર, પારસ, તારક સહિત નારણપુરા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતા

(9:24 am IST)
  • આગામી ૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી ફલાઈટ કેન્સલ : ૨૫મીએ આવશે તથા ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ કરાઈ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે એર ગ્લોઝર જાહેર કરાયુ હોય સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી વચ્ચેની દરરોજ આવતી ફલાઈટ આગામી તા.૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ છે : ટોચના એર ખાતાના સૂત્રોના ઉમેરાયા મુજબ આ ફલાઇટ ૨૫મીએ આવશે : પરંતુ ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ રહેશે : રાજકોટ એર ઈન્ડિયા દ્વારા પોતાની દિલ્હીની ફલાઈટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી access_time 1:27 pm IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • ગણતંત્ર દિવસ પર કિશાન માર્ચ અંગે જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ટળી : હવે ૨૦ જાન્‍યુઆરીએ નિર્ણય લેવાશે : ૨૬ જાન્‍યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રિમમાં સુનાવણી થવાની હતી : પરંતુ કોર્ટે હાલમાં આ નિર્ણયને ૨૦ જાન્‍યુઆરી સુધી મોકૂફ રાખ્‍યો છે : કોર્ટમાં દિલ્‍હી પોલીસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી access_time 10:37 am IST