Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજ્ય સરકારે ધોળકામાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટની સ્થાપનાની મંજૂરી આપી:કાયદા મંત્રી ચુડાસમા

અગાઉ અમદાવાદમાં થતી સેશન્સ કેસની સુનાવણી હવે સ્થાનિક કક્ષાએ થશે: ધોળકા તાલુકાના પક્ષકારોને ઘર આંગણે ઝડપી ન્યાય મળશે

અમદાવાદ : રાજ્ય સરકારે ધોળકા વકીલ મંડળ અને સમાજવર્ગોની માંગણી-લાગણીનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ધોળકામાં પૂર્ણ સમયની એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની કોર્ટની સ્થાપના માટે વહીવટી મંજૂરી આપી છે
. કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગને ઘર આંગણે ન્યાય મળી રહે તે સંકલ્પ સિધ્ધ કરવા પ્રતિબધ્ધ છે.
   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  ની રાજ્ય સરકારે પ્રજાલક્ષી ત્વરિત નિર્ણયો થી સામાન્ય માનવી, ગરીબ, વંચિત પીડિત  જરૂરતમંદ સૌને સરળતાએ ન્યાય મળે તેવા ઉદાત ભાવથી  અમદાવાદ જિલ્લાના ધોળકામાં આ એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની કોર્ટ માટેની મંજૂરી આપી છે એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ઉમેર્યું હતું.
મંત્રી  ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટના પરામર્શમાં રહીને રાજ્ય સરકારે આ કોર્ટને વહિવટી મંજૂરી સાથે ૧૪ જેટલી જગ્યાઓ પણ મંજૂર કરી છે
હવે, વડી અદાલત દ્વારા પૂર્ણ સમયની એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ધોળકામાં કાર્યરત કરાશે. કાયદામંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ કોર્ટ સ્થપાવાથી પક્ષકારોને ઘર આંગણે ઝડપી ન્યાય મળશે. એટલું જ નહી, કિમતી સમય અને નાણાંનો પણ બચાવ થશે.
સેશન્સ કેસોની અગાઉ જે સુનાવણી અમદાવાદ જતી હતી તે  હવે સ્થાનિક કક્ષાએ થવાથી પક્ષકારોની હાલાકી પણ ઘટશે.
તેમણે એમ પણ કહ્યું કે, સિવીલ અપિલ, ક્રિમીનલ અપિલ તેમજ અન્ય અપિલના કામો માટે અરજદારોને પહેલા અમદાવાદ જવું પડતું હતું તેને બદલે આ તમામ કામો સ્થાનિક કક્ષાએ થઇ શકશે.
આ ઉપરાંત, આર્બિટ્રેશન અને ઇન્ટેલેચ્યુકલ પ્રોપર્ટી રાઇટ્સ સંબંધના કોર્મશિયલ વિવાદોનું પણ સ્થાનિક કક્ષાએ ઝડપી નિવારણ થઇ શકશે તેમ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું.

(6:07 pm IST)