Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે

કોંગ્રેસનું મહા-જનસંપર્ક અભિયાન શરૂ

મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા કોંગ્રેસના પ્રયાસઃ પાર્ટીના વ્હિપનો અનાદર કરનારની ટિકિટ કપાશે : કોંગ્રેસના કુલ ૨૭૦ આગેવાનો ૧૮મીથી ૨૮ જાન્યુઆરી સુધી ગામ અને વોર્ડ મુજબ જનસંપર્ક અભિયાન કરશે

અમદાવાદ,તા. ૧૮: કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજયમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા મહાજનસંપર્ક અભિયાનનો આવતી કાલથી પ્રારંભ કરશે. ૨૭૦ આગેવાનો આગામી ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઇઝ, જિલ્લામાં પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઇઝ તથા ૮૧ નગરપાલિકા વોર્ડ વાઇઝ પ્રદેશ કોંગ્રેસ જન સંપર્ક અભિયાન કરશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસ પાર્ટી લોકો સુધી પહોંચવા માટે મહા જન સંપર્ક અભિયાન પ્રારંભ થશે .સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જિલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓ મહા જન સંપર્ક અભિયાન થશે.

કોંગ્રેસ દ્વારા રાજયમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના  ભણકારા વચ્ચે મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા કોંગ્રેસ દ્વારા આજથી રાજયમાં મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ વખતે ૫૦ ટકા નવા ચહેરાઓને ટિકિટ અપાશે.

કોંગ્રેસ દ્વારા રાજયમાં બેઠક અને વોર્ડ દીઠ જનસંપર્ક અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજયના તમામ જિલ્લા, તાલુકા અને મનપા વોર્ડ દીઠ અભિયાન હાથ ધરવામાં આવશે.

રાજયભરમાં ચલાવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અલગ-અલગ જગ્યાએ આ અભિયાનમાં જોડાશે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસર બેઠકમાં જનસંપર્ક કરશે.

રાજીવ સાતવ અને અમિત ચાવડા મોડાસર, મૌરૈયા, સાબરમતી અને શાહીબાગમાં સભા યોજશે. જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપલેટા અને રાજકોટ શહેરમાં સભા કરશે.

ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં તેમજ અર્જૂન મોઢવાડિયા ટંકારા અને જામનગરમાં સભા કરશે. તુષાર ચૌધરી ચૌર્યાસી અને સુરત જિલ્લામાં સભા કરશે.

જયારે દિપકભાઇ બાબરિયા ઇસનપુર અને ખોખરામાં, સી. જે. ચાવડા નરોડા અને વિરાટનગર વિસ્તારમાં તો જયરાજસિંહ પરમાર કુબેરનગર અને સરદારનગરમાં સભા કરશે.

આ અગાઉ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને હેલ્લો અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

હેલ્લો અભિયાનને લઇને અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કરશે. હેલ્લો અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. જયારે આજથી કોંગ્રેસના ૨૭૦ નેતાઓ રાજયના લોકો વચ્ચે જશે. ૨૮ જાન્યુઆરીથી સુધી લોકોના પ્રશ્નો ઉજાગરા કરીશું.

મહાજનસંપર્ક અભિયાન હેઠળ કોંગ્રેસ નગરાપિલાકના ૬૮૪ વોર્ડમાં બેઠક કરશે. તાલુકા પંચાયતોમાં ૪૭૦૦ બેઠકો કરશે. રાજયના ૧૭ હજાર ગામડાનો સંપર્ક કરીશું. લોકોના પ્રશ્નોને સરકાર સાંભળતી નથી ત્યારે શહેર સહિત ગામડાના લોકોમાં સરકાર સામે અસંતોષ છે.

(3:29 pm IST)