Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં બે ધારાસભ્યો આમને સામને : કહયું - અસારવામા કોણ હપ્તા ઉઘરાવે છે તે ખબર છે

બોલાચાલીમાં વાત ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવા સુધી પહોંચી અને હપ્તા સુધી વિસ્તરી

અમદાવાદ મહાનગરપાલિકાની પશ્ચીમ ઝોન ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં હોલ રીનોવેશનની બાબતે બે ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. વાત વણસતા ધારસભ્ય રાકેશ શાહ અને ઇમરાન ખેડાવાળાએ મામલો શાંત પાડ્યો હતો. અસારવાના ધારાસભ્ય શાહીબાગ વિસ્તારમા આવેલા લાખાજી કુંવરજી હોલના રીનોવેશનની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યુ કે તે હોલમાં પાણીની પણ તકલીફ છે. ટેન્કર દ્વારા પાણી આપવામા આવે છે તે અંગે પણ કાર્યવાહી કરવી.

આ ચર્ચા દરમિયાન હોલના વપરાશ સંદર્ભે અસારવાના ધારાસભ્યએ એવી રજુઆત કરી કે તમારી કોમના લોકો વધુ વપરાશ કરે છે. આ સાંભળી ગ્યાસુદ્દીન શેખે કહ્યુ હતુ કે મફતમા નથી કરતા. પૈસા ભરીને વપરાશ કરે છે. આ પ્રકારની બોલાચાલીમાં વાત ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવા સુધી પહોંચી હતી. ત્યારે અસારવામા કોણ હપ્તા ઉઘરાવે છે તે ખબર છે તેવી વાત દરીયાપુરના ધારાસભ્યએ કરી આમ આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ. આખરે ધારસભ્ય રાકેશ શાહ અને ઇમરાન ખેડાવાળાએ મામલો શાંત પાડ્યો હતો.

(9:48 pm IST)