Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

દરેક જિલ્લા વિશેષ ઔદ્યોગિક ઓળખ સ્થાપિત કરે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટમાં મેડિકલ ડિવાઈસીસ પાર્ક બનાવાશે : અંકલેશ્વરમાં કેન્દ્ર સરકારની મદદથી બલ્ક ડ્રગ પાર્ક બનશે

અમદાવાદ,તા.૧૮ : મુખ્યમંત્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીની સ્થાપના અને ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમશીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગકારો તેમના ઉદ્યોગ સ્થાપીને ઉત્પાદન કરતા થાય અને રોજગારીનુ નિર્માણ કરે તેવી નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ આ તકે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને ડાયમન્ડ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે ત્યારે ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝને વધુ વેગવંતી બનાવવા રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ્સ પ્રોડક્શન પાર્કનું કેન્દ્ર સરકારની કુલ ૧૨૫ કરોડની સહાયથી નિર્માણ કરવામાં આવશે.

              વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે એમએસએમઇ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના ત્રણ નિર્ણયો કર્યા છે. જેમાં રાજ્યમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત થનારા એમએસએમઇ એકમોને ૩ હજાર મીટર સુધીની જમીન ફાળવણીની કિંમતમાં ૫૦% સુધી સબસીડી/ રાહત અપાશે. રાજ્યમાં મહત્તમ રોજગારી પૂરી પાડતા ૩૬ લાખ જેટલા એમએસએમઈ ઉદ્યોગો છે. આવા એમએસએમઇ એકમો વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે તે માટે સસ્તી વિજળી આપવા એમએસએમઇ પોતે સૌરઊર્જા ઉત્પાદન કરીને વિજળી મેળવી શકે તે હેતુથી સોલાર વીજ ઉત્પાદન પર કેપ્ટીવ ચાર્જ નાબૂદ કર્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ કહ્યું કે પહેલા પરમિશન પછી પ્રોડકશનની જે જુની નીતિ-રીતિ હતી તેમાં હવે સમયાનુકુલ બદલાવ લાવીને એમએસએમઇ એકમોને પહેલા પ્રોડકશન પછી પરમિશનની સુવિધા આપી છે. ઉત્પાદન શરૂ કરીને ત્રણ વર્ષ સુધીમાં જરૂરી પરવાનગી આવા એકમો મેળવી  શકશે.
                    રાજ્ય સરકારે બેન્ક ઓફ બરોડા સાથે એમઓયુ કરીને એમએસએમઇ ઉદ્યોગકારોને માત્ર સાત દિવસમાં રૂપિયા પાંચ કરોડ સુધીની લોન અને તેથી વધુ રકમની લોન ર૧ દિવસમાં બેન્ક દ્વારા આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે એમએસએમઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન  આપીને ગુજરાતનો સંતુલિત વિકાસ થાય અને બધા ઉદ્યોગોમાં રોજગારી લાયક વધુ તકો ઉપલબ્ધ થાય તે માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા છે.

           ગુજરાતના વિકાસની હરણફાળનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કચ્છ, સાણંદ, અંક્લેશ્વ્રર, બરોડા સહીત વિવિધ જિલ્લાઓમા ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઇઓ સર કરી છે. ગુજરાતનો જીડીપી દેશના જીડીપી કરતા વધુ છે. કુલ વિદેશી મૂડીરોકાણના ૪૦ ટકા અને દેશની કુલ નિકાસમાં ર૧ ટકા ફાળો ગુજરાત આપી રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતશ્રી ઠાકોરે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી સરકાર દ્વારા પારદર્શી વહિવટ કરવામાં આવી રહ્યાં જણાવ્યું હતું અધ્યક્ષએ વિશેષમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સ્માર્ટ જીઆઇડીસીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ઝડપથી પ્રગતિ કરે તે જરૂરી છે.

(9:25 pm IST)