Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કાલે ૮૦ લાખ ભુલકાને પોલિયો ટીપા પીવડાવાશે

પોલિયોમુક્ત ગુજરાતનો ધ્યેય પાર પાડવા તૈયારી : ગુજરાતભરમાં ૩૩૬૪૧ બુથ મારફતે ભુલકાઓને ટીપા પીવડાવવા આયોજન : મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહભાગી

અમદાવાદ,તા.૧૮ :પલ્સ પોલિયો અભિયાનનો વધુ એક દોર આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી આપવામાં આવનાર છે. આને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા હજારો કર્મચારીઓ સુસજ્જ બની ગયા છે. આ અભિયાનના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓને વિશેષ પ્રકારની સુચનાઓ આપવામાં આવી છે.

        ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કુડાસણ ખાતે કાર્યક્રમને શરૂ કરાવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પણ સુરતમાં અભિયાનમાં સહભાગી થનાર છે. પલ્સ પોલિયો નાબુદી અભિયાન અવિરત પણે ગુજરાતમાં હાથ ધરવામાં આવે છે. આના ભાગરૂપે મોટાપાયે સફળતા પણ મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા ૧૯મી જાન્યુઆરી રવિવારે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવશે.

          સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦ લાખથી વધુ ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી 'પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત'નો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં ૩૩૬૪૧ બુથ મારફતે ૧ લાખ ૫૨ હજાર આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે. મુખ્યમંત્રી આવતીકાલે ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮.૩૦ કલાકે આ અભિયાનની શરૂઆત કરાવવાના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કુડાસણ ખાતે અને આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણી પણ સુરત ખાતે આ અભિયાનમાં સહભાગી થશે.

(9:22 pm IST)