Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરત : કતારગામે ૪ માળની ઈમારતનો સ્લેબ તુટી પડ્યો

વસ્તાદેવડી રોડ પરની દુર્ઘટનામાં જાનહાનિ ટળી : એકના મોતની શંકા : ત્રણને બચાવી લેવાયા : ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલા બિલ્ડીંગનો સ્લેબ બેસી જતા ચકચાર

અમદાવાદ,તા. ૧૮ : સુરત કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને ત્રણ વ્યક્તિને રેસ્કયુ કરાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્વામાં આવ્યા હતાં. વસ્તાદેવડી રોડ પર ચાર માળનું ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પડ્યાની જાણ થતાં પાલિકાના મેયર જગદીશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

                 મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સીએફઓ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યાં હતાં. દુર્ઘટના બાદ યુધ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઇ હતી. ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં કતારગામની ફાયરબ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી. બાદમાં અન્ય બે ગાડીઓ મોકલવામાં આવી હતી. બિલ્ડીંગનો સ્લેબ ધરાશયી થતાં જરીનું કારખાનું ચાલતું હતું, તેના ત્રણ લોકો કાટમાળમાં ફસાયા હતા. જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ.

                ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો સમાવેશ થતો હતો. મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું બોલતી નથી. ફાયરબ્રિગેડ દ્વારા જર્જરિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના બિલ્ડીંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. ત્રણેક માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી નહોતી. જો કે, હવે સ્થાનિક પોલીસ અને સુરત મનપા સત્તાધીશોએ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.

(8:27 pm IST)