Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

એ રાજકારણીએ આઠેય મંડળીમાં પોતાના વિશ્વાસુ ગોઠવી કરોડોનું કૌભાંડ કરેલઃ ચોંકાવનારો ઘટસ્ફોટ

કચ્છની કેડીસીસી બેંકના ગોટાળાની તપાસમાં હાઇકોર્ટમાંથી સ્ટે ઉઠી જતા સીઆઇડી ક્રાઇમે સપાટો બોલાવી દીધો : આઠેય તપાસ માટે અલગ-અલગ ઇન્કવાયરી ઓફીસરો નિમાયાઃ સીઆઇડી વડા સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં ડીઆઇજી ગૌતમ પરમાર-ડીવાયએસપી પિયુષ પીરોજીયા અને જે.ડી.પુરોહીત દ્વારા મોડી રાત સુધી તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૮: ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લી.માં રાજકીય ઓથ નીચે થયેલા કરોડોના કૌભાંડમાં કાનુની જંગ બાદ હાઇકોર્ટમાંથી સ્ટે ઉઠી જતા સીઆઇડી ક્રાઇમના વડા સંજય શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ ડીઆઇજી ગૌતમ પરમાર ટીમ દ્વારા ચાલતી તપાસના પગલે ૮ મંડળીઓ અને આ ૮ મંડળીઓના ર૬ જેટલા આરોપીઓની તપાસ કરવા માટે અદાલતમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવ્યાનું ડીઆઇજી ગૌતમ પરમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે ભુજના દીપકભાઇ ખીમજીભાઇ કટારીયા દ્વારા કેડીસીસી બેંકમાં થયેલ નાણાકીય ગેરરીતી બાબતે ચોંકાવનારી ફરીયાદ સંદર્ભે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સુત્રોના કથન મુજબ આરોપી જયંતી ઠક્કરે સહકારી મંડળીઓમાં પોતાના માણસો  ગોઠવી તેમના મારફત લોન માંગણીના ખોટા પત્રકો, દસ્તાવેજો બનાવી માંડવી અબડાસાની મુખ્ય બ્રાન્ચોમાં જયાં આરોપી પોતે સર્વેસર્વા હતા તે સ્થળે લોનો ગેરકાયદેસર મંજુર કરાવી એ યુગની કિંમત મુજબ ૪૦ કરોડનું કૌભાંડ કર્યાની આશંકા મજબુત બની છે. આ તમામ બાબતો પરથી આરોપીઓના રીમાન્ડ દરમિયાન પડદો હટી જશે.

આ સમગ્ર ચકચારી મામલામાં કુલ ૮ જેટલી ફરીયાદો થઇ છે. તપાસ ઝીણવટભરી  અને ફુલપ્રુફ થઇ શકે તે માટે સીઆઇડી વડા સંજય શ્રીવાસ્તવ અને ડીઆઇજી ગૌતમ પરમારે લંબાણ પુર્વકની ચર્ચા કર્યા બાદ અલગ-અલગ આઇઓની નિમણુંક કરી છે. સમગ્ર મામલાની આ તપાસમાં મદદરૂપ થવા માટે જે ખાસ ટીમ સીઆઇડી દ્વારા રચાઇ છે તેમાં રાજકોટ રેલ્વેના વિભાગીય વડા અને અમદાવાદ રેલ્વેમાં ચાર્જ ધરાવતા ડીવાયએસપી પિયુષ પીરોજીયા અને ડીવાયએસપી જે.ડી.પુરોહીતનો સમાવેશ થયો છે. આખી રાત સીઆઇડી તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.

(1:18 pm IST)