Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગુજરાતના નવા ગુપ્તચર વડા કોને બનાવવા? ગાંધીનગર માટે કોયડો

સીબીઆઇમાં નિમાયેલા મનોજ શશીધરને ખુબ જ મોટી જવાબદારી સુપ્રત થઇ રહયાની દિલ્હીથી ગાંધીનગર સુધી જોરદાર ચર્ચાઓ : સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેકટર (પોલીસી) જેવુ મહત્વનું સ્થાન ગુજરાત કેડરના આ આઇપીએસને અપાય તો ગુજરાતનું ગૌરવ ફરી વધશે

રાજકોટ, તા., ૧૮: રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ એવા એડીશ્નલ ડીજીપી કક્ષાના સીનીયર આઇપીએસ અને થોડા સમય અગાઉ જ જેમની ગુપ્તચર (આઇબી) વડા તરીકે પસંદગી થયેલી તેવા મનોજ શશીધરની સીબીઆઇમાં પ વર્ષ માટે નિમણુંક કરતો હુકમ ખુબ જ ઝડપથી થઇ જતા હવે ગુપ્તચર વડા કોને બનાવવા? તે માટે ગાંધીનગરમાં ભારે મથામણ શરૂ થઇ છે.

અત્રે યાદ રહે કે ગુપ્તચર વડાનું સ્થાન ખુબ જ મહત્વનું અને રાજકીય રીતે પણ તેનું ખુબ જ મહત્વ હોય છે. તમામ રાજકીય ગતીવિધિઓ કે જેમાં વિપક્ષો સાથે શાસક પક્ષના કાર્યકરો અને નેતાઓની માનસીકતા અને તેઓનું સતાધારી પ્રત્યેનું વલણ કેવું છે?  કોણ કોને પસંદ કરે છે? કોણ કોની નજીક છે? આવી બધી બાબતો બિનસતાવાર રીતે  એકઠી થતી હોય છે.

આતંકવાદી ગતિવિધિઓ, સીમ્મી, સ્લીપર સેલ, વિવિધ આંદોલનો અને કોમી તોફાનો જેવી તમામ પરિસ્થિતિની માહીતી અગાઉથી મેળવી રાજય અને કેન્દ્ર સરકારને  વાકેફ રાખવાની મહત્વની કામગીરી હોવા સાથે સેન્ટ્રલ આઇબી, સીબીઆઇ, રો અને બીએસએફ સહીતની કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન રાખી તમામ ગતિવિધિઓની માહીતી એકઠી કરવાની હોય છે. આ કામ આમ તો ખુબ કપરૂ છે. આ કામગીરી દરેક માટે રસપ્રદ બનતી નથી. ઘણાને આવુ કામ  કારકુની પ્રકારનું લાગતુ હોવાથી ખુબ જ વિશ્વાસુ અને આ કામ રસ પુર્વક અને ખંતથી કરવા સાથે પોતાના વિશાળ સંપર્કો દ્વારા જ કરી શકે તે બાબત કેન્દ્રમાં રખાતી હોય છે.

દરમિયાન સીબીઆઇ માટે પસંદ પામેલા મનોજ શશીધરને સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેકટર (પોલીસી)નું સ્થાન મળે તેવી જોરદાર ચર્ચાઓ દિલ્હીથી ગાંધીનગર સુધી ચાલી રહી છે.આ સ્થાન ખુબ જ મહત્વનું અને પ્રતિષ્ઠા સાથે જવાબદારી ભર્યુ છે. હાલમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇપીએસ અરૂણ શર્મા આ જગ્યાએ ફરજ બજાવી ચુકયા છે.

સીબીઆઇમાં હાલમાં એડીશ્નલ ડાયરેકટર પદે ગુજરાતના ગૌરવ સમા પ્રવિણસિંહા કાર્યરત છે. આ સિવાય રાજકોટ રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા  ફાયર બ્રાન્ડ મહિલા આઇપીએસ ગગનદીપ ગંભીર અને સુરેન્દ્રનગર એસપી તરીકે ફરજ બજાવનાર શ્રીવત્સ સીબીઆઇમાં છે.

(1:17 pm IST)