Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વડાપ્રધાન મોદીનું સપનુ સાકાર કરવા શંકર ચૌધરીના આગે કદમ

સમગ્ર ગુજરાતમાં 'ઈ-ચલણ' બાબતમાં બનાસકાંઠાની પહેલઃ ૪ાા લાખ મહિલાઓને જોડવા માટે અભિયાન

રાજકોટ, તા. ૧૮ :. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને ઈ-કરન્સી ક્ષેત્રે રાજ્યમાં નંબર વન બનાવવા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરીએ અભિયાન ઉપાડયુ છે. મહિલા સશકિતકરણ અને ઈ-કરન્સીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનુ સાકાર કરવા તરફ તેમના આગે કદમ છે.

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે પશુપાલન અને ખેતીના વ્યવસાય આધારીત છે. લાખો બહેનો આ પ્રવૃતિ સાથે જોડાયેલી છે. સાડા ચાર લાખ જેટલી બહેનોના બેન્ક ખાતા ખોલી તેને મહેનતાણા પેટે મળવાપાત્ર આવક સીધી આરટીજીએસથી ખાતામાં જમા કરાવવા માટેની યોજના બની છે. ૫૦,૦૦૦ જેટલી બહેનોને આ યોજનામાં જોડી દેવામાં આવી છે. આધુનિક યુગમાં નાણાકીય વ્યવહાર માટે કાગળ આધારીત લાંબી પ્રક્રિયામાં પડયા વિના સીધી જ ઈ-કરન્સીથી રકમ જમા કરાવવાનો અભિગમ છે. તેનાથી મહિલાઓની વ્યવસાયિક ક્ષેત્રે મજબુતી વધવા સાથે મહિલા સશકિતકરણ વધશે અને પેપરલેસ વહીવટને વેગ મળશે. બનાસ ડેરીના માધ્યમથી આ અંગેનુ અભિયાન ચાલી રહ્યુ છે. જિલ્લાને ઈ-કરન્સી ક્ષેત્રે અગ્રેસર રાખવાની નેમ શ્રી શંકર ચૌધરીએ વ્યકત કરી છે.

(11:29 am IST)