Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરત મનપાનો મેડિકલ ઓફિસર ખાનગી ક્લિનીકમાં કરતો હતો પ્રેકટીસ: વિજિલન્સ ટીમે રંગેહાથ ઝડપ્યો

ડો. જયેશ રાણા આંબાવાડી કાલીપુલ ખાતે આવેલા ખાનગી પ્રગતિ હેલ્થ કલિનીકમાં છેલ્લા ચાર વર્ષથી પ્રેકટીસ કરતા હતા

સુરત મનપાના હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મેડીકલ ઓફીસર ડો. જયેશ રાણાને આંબાવાડી ખાતે આવેલી ખા‌નગી પ્રગતિ હેલ્થ ‌ક્લિનીકમાં પ્રેક્ટીસ કરતા મનપાની વિજીલન્સ વિભાગની ટીમે રંગે હાથે ઝડપી પાડયા હતા. દરમિયાન અન્ય તબીબો ગેરહાજર હોવાને કારણે મારે આવવું પડ્યું છે. એવી મૌખિક રજુઆત જયેશ રાણા દ્વારા કરવામાં આવી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ કૈલાશનગર પાસે આવેલા મનપાના ક્ષેત્રપાલ (પ્રસૃતિગૃહ) હેલ્થ સેન્ટરમાં ડો. જયેશ રાણા (કર્મચારી નં ૩૫૦૭૦) મેડકીલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. ડો. જયેશ રાણા આંબાવાડી કાલીપુલ ખાતે આવેલા ખાનગી પ્રગતિ હેલ્થ કલિનીકમાં છેલ્લા ચાર વર્ષથી પ્રેકટીસ કરતા હોવાની ફરીયાદ મનપાના વિજીલન્સ વિભાગને મળતા આજે સાંજના ૬.૩૦ વાગ્યાના અરસામાં વિજીલન્સ ઓફીસર જયેશ ચૌહાણે ટીમ સાથે પ્રગતિ હેલ્થ કલિનીક પર દરોડો પાડયો હતો. દરમિયાન ડો. જયેશ રાણા દરદીઓની ફાઇલ ચેક કરતા રંગે હાથ ઝડપાયા હતા.
  વિજીલન્સ વિભાગે ખુલાસો પુછતા અન્ય તબીબ ગેરહાજર હોવાને કારણે મારે આવવું પડ્યું છે એવી મૌખિક રજુઆત કરીને પોતાનો લુલો બચાવ કર્યો હતો. જોકે ત્યારબાદ વિજીલન્સ વિભાગે હેલ્થ સેન્ટરના દસ્તાવેજો ચકાસીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પુરાવાના આધારે આગામી દિવસોમાં વિભાગ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ડો. જયેશ રાણા સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપા પાસેથી ભારે ભરખમ પગાર મેળવતા મનપાના તબીબોને એનપીએનું ભથ્થુ ચુકવવામાં આવે છે. એનપીએનું (નોન પ્રેકટીસ એલાઉન્સ) ભથ્થુ મેળવનાર તબીબી ખાનગી કલિનીકમાં પ્રેકટીસ કરી શકતા નથી. તેમ છતા હજુ પણ મનપામાં ફરજ બજાવતા કેટલા તબીબો પ્રેકટીસ કરી રહ્યા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

(12:25 am IST)