Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાજ્યમાં રેલવે વિસ્તૃતીકરણ અને પ્રોજેક્ટો મુદ્દે વિચારણા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રેલવેમંત્રી પીયુષ ગોયેલ સાથે ચર્ચા :સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિશ્વના પ્રવાસીઓ રેલવે મારફતે પહોંચે તે માટે રેલવે લાઈન કામગીરીની તલસ્પર્શી સમીક્ષા

અમદાવાદ,તા.૧૭  : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ સાથે ગુજરાતમાં રેલ્વે સેવા વિસ્તૃતિકરણ અને રેલ્વે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે અમદાવાદમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતને લગતા રેલવેના મહત્વના પ્રશ્નોની ચર્ચામાં ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યાં દેશ-વિદેશ પ્રવાસીઓને રેલ માર્ગે પહોંચવા માટે કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર હાથ ધરાઇ રહેલા કેવડિયા-વડોદરા રેલ્વે લાઇનના કામની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું કે આ રેલ્વે લાઇન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે તથા કેવડિયામાં રેલ્વે સ્ટેશનનું કામ પણ પૂરઝડપે હાથ ધરાઇ જશે.

           કેન્દ્રીય મંત્રી સાથે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. તેમણે ગુજરાતમાં રેલ્વે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલિંગ ઓફ રેલ્વે લાઇનના ચાલતા કાર્યો અંગે પણ રેલ્વે મંત્રી સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ પીયૂષ ગોયલને જણાવ્યું કે કટોસણ-બેચરાજી રેલ્વે લાઇનનું કામ રેલ્વે અને ગુજરાત સરકારની કંપની જી-રાઇડ દ્વારા સંયુક્તપણે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ૨૬૬ કરોડના વર્ક ઓર્ડર આ હેતુસર અપાઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે મારૂતિ મોટર્સ દ્વારા ઉત્પાદિત થનારી મોટરકારના ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષાંગિક ઉદ્યોગો તથા એમએસએમઇ, બેચરાજી અને આસપાસની જીઆઇડીસીને પણ આ રેલ્વે લાઇન શરૂ થતા મહત્તમ લાભ થશે.

(9:22 pm IST)