Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાયબ્રન્ટમાં કલાકોમાં જ હજારો કરોડની જાહેરાતો

ટોપના ઉદ્યોગપતિઓએ ધ્યાન ખેંચ્યું : અંબાણી, બિરલા, અદાણી દ્વારા કરાયેલી મોટી જાહેરાતો

ગાંધીનગર, તા. ૧૮ :   ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ૧૧૫થી વધુ દેશોના પ્રતિનિધિઓ, રિલાયન્સના મૂકેશ અંબાણી, અદાણી જૂથના ગૌતમ અદાણી, ટાટાના ચંદ્રશેખરન, કુમારમંગલમ બિરલા, સુધીર મહેતા સહિતના મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાવકાત મિઝીયોયેવ, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને રવાન્ડાના પ્રમુુખ પૌલ કાગામે, ચેક પ્રજાસત્તાકના વડા પ્રધાન અન્દ્રેજ બાબિસ, ડેન્માર્કના વડા પ્રધાન લાર્સ લોકકે રાસમુસ્સમ અને માલ્ટા પ્રજાસત્તાકના વડા પ્રધાન ડો.જોસેફ મુસ્કાત સહિતના વિદેશના મહાનુભાવોએ પણ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. વાયબ્રન્ટ સમિટના પ્રથમ કલાકમાં જ રાજ્યમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરાઇ હતી. ૧૧પ દેશના પ્રતિનિધિ આ સમિટમાં જોડાયા છે. જ્યારે ૧૬ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે. વડાપ્રધાન મોદી હજુ આવતીકાલ બપોરે સુધી ગુજરાતમાં રોકાવાના હોઇ તેમનું પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ સહિતનું કાર્યાલય અહીં ઊભુ કરાયું છે. ગુજરાતમાં અને દેશમાં વિદેશી રોકાણ મોટા પ્રમાણમાં થાય તે માટે તેમણે આજે સાંજે સોવેરિન ફંડ, પેન્શનફંડ તેમજ ટોચની નાણાં સંસ્થાઓના વડાઓ સાથે સાંજે ગાલા ડિનર સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. વાયબ્રન્ટ સમિટમાં ટોપના ઉદ્યોગપતિઓ ચર્ચા જગાવી હતી જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી, ગૌત્તમ અદાણીએ પણ મોટી જાહેરાતો કરી હતી.

(9:07 pm IST)