Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે

વિવિધ વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ બેઠક

ગાંધીનગર, તા. ૧૮ : જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી હતી તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરાવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતા ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે નીચે મુજબ છે.

થાઈલેન્ડના પ્રધાનની રૂપાણી સાથે બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે થાઇલેન્ડના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ કોમર્સની યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે થાઇલેન્ડને પ્રથમ વાર વાયબ્રન્ટમાં પાર્ટનર કન્ટ્રી બનવા માટે આભાર વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, થાઇલેન્ડ અને ગુજરાત વિશાળ દરિયા કિનારાની સમાનતા સાથે બેન્ને પ્રદેશો સમુદ્ર તટ ઉપર મહાનગર  પણ ધરાવે છે તે સુયોગ છે. મુખ્યમંત્રીએ પ્રવાસન પ્રવૃતિની થાઇલેન્ડની તજજ્ઞતાનો લાભ ગુજરાત પ્રવાસન વિકાસ માટે મળે તે હેતુસર આ સમિટમાં રોકાણ એમઓયુ થાઇલેન્ડના લોકો કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. થાઇલેન્ડ ગુજરાતના મોરબીની સીરામિક ઇન્ડસ્ટ્રી સાથે ટ્રેડિંગ અને ઈમ્પોર્ટ માટે ઉત્સુક છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

ચેક ગણરાજ્યના પ્રધાનમંત્રીની રૂપાણી સાથે બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે યોજેલી વન ટુ વન બેઠકમાં તેમના રાષ્ટ્રની ખ્યાતનામ કમ્પનીઓને ડિફેન્સ પ્રોડક્શન તેમજ વેસ્ટ વોટર મેનેજમેન્ટના ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા ઇજન પાઠવ્યું હતું. તેમણે કહ્યું કે, ૪૫ ટકા જેટલું અરબનાઇઝેશન ધરાવતા ગુજરાતમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ આજના સમયની તાતી આવશ્યકતા બની ગઇ છે ત્યારે ચેકની તજજ્ઞતાનો લાભ મળે તે આવકાર્ય બાબત છે. વિજય રૂપાણીના આ સુઝાવને સમર્થન આપતા ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતમાં ડિફેન્સ અને આર એન્ડ ડી સેક્ટરમાં  પ્રદાન કરવાની  તૈયારી દર્શાવી હતી. વિજય રૂપાણીએ આ સાથે સંસ્કૃતિ, કલ્ચર અને વેપારમાં  પણ સમ્બન્ધ વિકસેલા છે તેની યાદ તાજી કરી હતી.રૂપાણી સાથે જ્હોન ચેમ્બર્સની બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વાયબ્રન્ટ સમીટ - ૨૦૧૯ના પ્રારંભ બાદ બીજા સત્રમાં વિવિધ રાષ્ટ્રોના પ્રતિનિધિ મંડળો સાથે વન ટુ વન બેઠકોનો દોર શરૂ કર્યો હતો. મુખ્યમંત્રીને આ કડીમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અંતર્ગત ચેરમેન જહોન ચેમ્બર્સના નેતૃત્વ હેઠળનુ પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. વિજય રૂપાણીએ આ પ્રતિનિધિ મંડળને કહ્યું કે,  આ વાયબ્રન્ટ સમીટનો મુખ્ય આશય રોજગારીના નવતર અવસરો ઉભા કરવાનો છે. વર્તમાન સમયમાં જોબ ક્રિએશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ  પણ અત્યંત મહત્વનું પરિબળ છે ત્યારે આ ફૉરમના માધ્યમથી ગુજરાતમાં ઉદ્યોગ વેપાર અને સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં  સાથે મળીને કામ કરવાની વ્યાપક તકો નિર્માણ થશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાત આ સમિટમાં સહભાગી સૌ માટે એજન્ટ બની વિકાસના  વૈશ્વિક અવસરનું એક સબળ માધ્યમ પણ છે.

ડેનમાર્કના પ્રધાનમંત્રીની રૂપાણી સાથે બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી લાર્સ લોકે રાસમ્યુંઝન સાથે યોજેલી બેઠકમાં ડેનમાર્કના રીંન્યુએબલ એનર્જી મરીન અને કોષ્ટલ ડેવલપમેન્ટની સાથે સાથે સોશિયલ સેક્ટર અને ઇકોનોમિક ડેવલમેન્ટના સેક્ટરમાંથી નવું શીખવાની અને વિકાસ અવસર માટે  ડેનમાર્ક ગુજરાત વચ્ચે આદાન પ્રદાન ઉપર ભાર મુક્યો હતો. ગુજરાતમાં ડેનમાર્કની મોટી કંપનીઓ વિન્ડ મિલ સેક્ટરમાં કાર્યરત છે અને પવન ઉર્જા  સહિત રીન્યુએબલ એનર્જીમાં ગુજરાતની વિપુલ સંભાવના રહેલી છે તે વિષયે પરામર્શ કર્યો હતો. ડેનમાર્ક ડેરી ટેક્નોલોજીમાં પણ અગ્રેસર છે તે સંદર્ભમાં  ગુજરાતના ડેરી ઉદ્યોગને પણ આ તજજ્ઞતાનો લાભ આપવા ડેનમાર્ક પ્રધાનમંત્રીએ ઉત્સુકતા વ્યકત કરી હતી. ડેનમાર્ક આ વાયબ્રન્ટ સમીટમાં પાર્ટનર કન્ટ્રી છે તે માટે આભાર વ્યકત કરતા કહ્યું કે જે ડેનમાર્કના ઉદ્યોગ ગુજરાતમાં છે તેમને કોઇ પ્રશ્નો હોય તો રાજ્ય સરકાર તેના નિવારણ માટે સક્રિયતાથી મદદરૂપ બનવા તત્પર છે.

(9:06 pm IST)