Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કપડવંજ-ડાકોર રોડ પર આઈશરે સાયકલને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું કમકમાટી ભર્યું મોત

કપડવંજ:કપડવંજ-ડાકોર રોડ ઉપર સોરણા પાટીયા નજીક ગઈકાલે આઈશર ટેમ્પાએ મોટર સાયકલને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર અને ઘવાયેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના વેજલપુરમાં રહેતા જેસંગભાઈ લાલાભાઈ પરમાર ગઈકાલે મોટર સાયકલ નં. જીજે-૨૦ એઆર-૬૮૭૭ ઉપર સંબંધીને બેસાડી ડાકોર રોડ ઉપરથી જઈ રહ્યા હતા આ દરમિયાન સોરણા પાટીયા નજીક પૂરઝડપે હંકારી આવેલ આઈશર ટેમ્પા નં. જીજે-૦૧ એઝેડ-૮૦૭ ઓવરટેક કરવા જતા મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેથી બાઈક સવાર બંનેને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી જે પૈકી જેસંગભાઈ પરમારને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. 

આ અકસ્માત સર્જી આઈશર ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દિપાભાઈ જેસંગભાઈ પરમારની ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)