Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનો BMW અને મર્સિડીઝ-અેસ ક્લાસ જેવી લકઝુરીયસ કારમાં મહાલશેઃ ૨૪ કલાકનું ભાડુ ૪૯ હજારઃ ૧૦૦ લકઝુરીયસ કાર રખાઇ ભાડે

અમદાવાદ: વાઈબ્રન્ટ સમિટમાં આવનારા વિદેશી મહેમાનો માટે રાજ્ય સરકાર લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો ખડકી દેશે. 5 રાષ્ટ્ર પ્રમુખ સહિત વિદેશી મહેમાનો માટે તેમના પ્રોટોકોલ અને સ્ટેટસને અનુરૂપ બીએમડબલ્યુ 5 સિરીઝ તથા મર્સિડીઝ-એસ ક્લાસ તેમજ તેની કેટેગરીમાં આવતી 100 જેટલી લક્ઝુરીયસ કાર રોકવામાં આવી છે. આ ગાડીનું 24 કલાકનું 39,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.

વાઈબ્રન્ટ સમિટ પહેલા સરકારે ટેન્ડર પદ્ધતિથી ઇનોવાથી લઇને વિવિધ સેડાન તેમજ મર્સિડીઝ, બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર ભાડે મેળવવા 4 જેટલી એજન્સીઓ રોકી છે. આ એજન્સીઓને સરકાર 4100 રૂપિયાથી લઇને 39 હજાર સુધીનું ભાડું કારની કેટેગરી પ્રમાણે ચૂકવશે. હાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કેટેગરીની 500 જેટલી કાર રોકવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઇનોવા અને સેડાન કારનો સમાવેશ થાય છે.

સરકાર દ્વારા ફાળવવામાં આવતી કાર સિવાય અન્ય ડેલિગેટ્સ કે જેને સરકાર દ્વારા કારની સુવિધા અપાઇ નથી તેઓ પોતાની હોટલમાંથી સરકારે નિયત કરેલા ભાવથી કાર હાયર કરી શકશે. આ ભાડું અમદાવાદ- ગાંધીનગર માટે જ 16 કલાક અથવા 24 કલાક માટે નિયત કરાયું છે. જ્યારે ગાંધીનગર- અમદાવાદની બહાર ટ્રાન્સપોર્ટેશન માટે ઇનોવાના પ્રતિ કિલોમીટર 13 રૂપિયાથી લઇને બીએમડબલ્યુ- મર્સીડીઝના 85 રૂ. પ્રતિ કિલોમીટર નક્કી કરાયા છે.

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ નાગરિકોને કોઇ તકલીફ પડે નહી તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અલગ અલગ સાત પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામાનો વાઈબ્રન્ટ સમિટ દરમિયાન કડક અમલ કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇને બે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. જેમાં શહેરમાં વાઈબ્રન્ટ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ માટે ભારે વાહન ચાલકોના ટ્રાફિકને અલગ રસ્તાઓ પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

વાઈબ્રન્ટમાં ડ્રોન પર પ્રતિબંધ

માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇજના વિમાન જેવા સાધનો અથવા એરો પાર્ટ્સમાં વરાતા ઉપકરણોના ગેરલાભ લઇને ઉપરોક્ત કાર્યકર્મોમાં સુરક્ષા વ્યવસ્થાને હાની પહોચાડવાની શક્યતાને નકારી નહી કાઢતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રીમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર એરક્રાફ્ટ, તેમજ માવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેગ ગ્લાઇડર પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગની મનાફ ફરમાવવામાં આવી છે. જોકે, પોલીસ વિભાગ અને સુરક્ષા બળોને ઉપરોક્ત જાહેરનામાંમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરોક્ત આદેશ ૧૭મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

(5:41 pm IST)