Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

આ તે પ્રેમ કે વ્હેમ?...વડોદરાથી ધોરણ-૧૦ના છાત્ર-છાત્રા એકટીવા પર ભાગ્યા ને છેક રાજકોટ પહોંચ્યા!

ચોટીલા નાઇટ હોલ્ટ માટે ગેસ્ટ હાઉસ ન મળતાં કડકડતી ઠંડીમાં બાંકડા પર રાત વિતાવીઃ રાજકોટ પહોંચ્યા ત્યારે થોરાળા પોલીસની નજરે ચડતાં પૃચ્છા કરી વાલીઓને રાજકોટ બોલાવી સુપરત કર્યાઃ એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા અને ટીમની પ્રશસંનીય કામગીરી

રાજકોટ તા. ૧૭ : ઈન્ટરનેટે જેટલી સવલત ઉભી કરી છે, તેનાથી બેવડી પીડા પણ સર્જી છે, આજે ૩-જી અને ૪-જીના યુગમાં ટીનેજર્સ વચ્ચેના પ્રેમ સબંધો પણ રોકેટ ગતિએ વધી રહ્યાં છે, ત્યારે ફતેગંજ વિસ્તારમાં રહેતી ધો.૯ની વિદ્યાર્થીની અને ધો. ૧૦ના વિદ્યાર્થીનો પ્રમનો કિસ્સો પોતાના સંતાનોને સ્માર્ટ ફોનની સાથે વાહનો આપી દેતાં દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ભણવાની ઉંમરે પ્રેમમાં પડેલા બંને ટિનેજર્સ ગુરૂવારે સ્કુલે જવાને બદલે એકિટવા લઈ રાજકોટ સુધી પહોંચી ગયા! સદ્દનસીબે પોલીસની નજરમાં આવી જતાં બંનેને સહી-સલામત તેમના વાલીઓને સોંપ્યા હતા.ફતેગંજમાં રહેતો ૧૫ ર્વિષય આદિત્ય ધો.૧૦માં તેના ઘર નજીકની સ્કુલમાં અભ્યાસ કરે છે. તેને સોસાયટીમાં જ રહેતી અને ધો.૯માં ભણતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની સાથે પ્રેમ સબંધ થયો હતો.બંને સ્કુલે જવાના સમયે ચોરી છુપીથી મળતાં હતા.ત્યારબાદ આદિત્યએ સ્કુલમાં બંક મારી બહાર ફરવા જવાનુ નક્કી કર્યું હતું.છેલ્લા બે દિવસથી તે વિદ્યાર્થીનીને મનાવતો હતો.જેથી વિર્દ્યિાથની માની ગઈ હતી. તા. ૧૨મી ડિસેમ્બરે સવારે ૭ વાગ્યે વિદ્યાર્થિની ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી. બીજી તરફ આદિત્ય તેના પિતાનું એકિટવા લઈ નીકળ્યો હતો.

બંને સ્કુલમાં ગુલ્લો મારી બપોર સુધી એકિટવા પર જુદી – જુદી જગ્યાએ ફર્યા હતા. ત્યારબાદ ઘરે જવાનું મોડૂ થઈ જતાં આદિત્યએ તેની પાસેના પૈસાથી પેટ્રોલ ભરાવી હાઈવે પર એકિટવા દોડાવાનું શરૂ કર્યું હતંુ. બે દિવસ બાદ તેઓ રાજકોટ પહોંચી ગયા હતા. જયાં પૈસા ખૂટી જતાં આદિત્ય એકિટવા વેચવાની ફિરાકમાં ફરી રહ્યો હતો, તે એકદમ ગભરાઈ ગયેલો હતો. તેની પાસેની વડોદરા પાસીંગની એકિટવા તથા સાથે કિશોરીને જોઈ થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી.જે.જાડેજાને શંકા ગઈ હતી. જેથી પોલીસે આદિત્યની પુછપરછ કરતાં તેની સાથેની કિશોરી સાથે ઘરેથી ભાગી નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.

બંનેને પોલીસ મથકે લઈ જઈ તેમના માતા – પિતાને પોલીસ કર્મચારીએ જાણ કરી હતી. વડોદરાથી રાજકોટ દોડી ગયેલા બંનેના પરિવારજનોએ સંતાનોનો કબજો લીધો હતો. પોલીસ પુછપરછમાં આદિત્ય અને વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, એકિટવા પર ફરતા ફરતાં બપોરના બે વાગી ગયા હતા.જેથી માતા – પિતા ઠપકો આપશે, તેવા ડરથી અમે રાજકોટ હાઈવે તરફ આવી ગયા હતા. અમે શુક્રવારે રાતે ચોટીલા પહોંચ્યા હતા, ત્યારે અંધારૂ થઈ ગયું હતું. અમને કોઈએ ગેસ્ટ હાઉસ નઆપતાં કડકડતી ઠંડીમાં બાંકડા પર રાત વીતાવી હતી. બીજા દિવસે સવારે ચા-નાસ્તો કરી રાજકોટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસે વિદ્યાર્થીનીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.

એસીપી પ્રદિપસિંહ જાડેજા અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા અને ટીમે આ છાત્ર-છાત્રાને તેના વાલી સુધી હેમખેમ પહોંચાડતાં વાલીઓએ થોરાળા પોલીસ ટીમનો આભાર વ્યકત કર્યો હતો. (૨૧.૧૧)

(11:44 am IST)