Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સાબરમતીમાંથી ગળું કાપેલી હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારની ચોંકાવનારી ઘટના : મૃતકની સોનાની ચેઈન, મોબાઈલ અને બાઈક ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા

અમદાવાદ , તા.૧૭ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાના ૧૫ દિવસ બાદ હવે વધુ એક સીનિયર સિટીઝનની હત્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સાબરમતી વિસ્તારમાંથી ગળું કાપેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ૬૨ વર્ષીય દેવેન્દ્ર રાવત તરીકે થઈ છે. મૃતકની સોનાની ચેઈન, મોબાઈલ અને બાઈક ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે.

ટીવી રિપોર્ટ અનુસાર સાબરમતીના ઠાકોરવાસ વિસ્તારમાં દેવેન્દ્ર રાવના નામના ૬૨ વર્ષીય વૃદ્ધ એકલા હતા. દેવેન્દ્રભાઈ રાતે ઘરમાં સૂતા હતા ત્યારે મધરાતે અજાણ્યા વ્યક્તિ ઘરમાં ઘૂસીને વૃદ્ધે ગળાના ભાગે છરીના ઘા ઝીંકીની હત્યા કરીને બાઈક, સોનાની ચેઈન અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સાબરમતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નવેમ્બરના રોજ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના સામે આવી હતી. કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા હત્યારાઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. પ્રાથમિક રીતે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ ઘરમાંથી માત્ર ૫૦૦ રૂપિયા ગયા હોવાથી વૃૃદ્ધ દંપતીની હત્યા માટે કોઈએ સોપારી આપી હતી કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામા આવી હતી.

(9:05 pm IST)