Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

આણંદ:એમજીવીસીએલ સર્કલ નજીક ચેકીંગ હાથ ધરી વીજચોરીના 25 કિસ્સાઓ ઝડપવામાં આવ્યા

વલ્લભવિદ્યાનગર : આણંદ એમજીવીસીએલ સર્કલ કચેરીના અધિકારીઓ દ્વારા કાર્યક્ષેત્રમા આવતા પેટલાદ-બોરસદના ગ્રામ્ય વિસ્તારોમા ગતરોજ ઓચિંતુ ચેકીંગ  હાથ ધરીને ૪૯ કનેકશનોની ચકાસણી કરી હતી. જેમાં જુદા-જુદા પ્રકારની વીજચોરીને લગતા ૨૮ કિસ્સાઓ ઝડપાતા અધિકારીઓએ કસુરવારોને ૨.૩૦ લાખનો દંડ ફટકારતા વીજગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇજનેરો, અધિકારીઓ, ઇલેક્ટ્રીશ્યનો, હેલ્પરો, સુરક્ષાકર્મીઓની ૬ ટીમો દ્વારા સોમવારે શેખડી, રૂપિયાપુરા, વિશ્રામપુરા, શાહપુર, સુંદરણા, દંતેલી, બોચાસણ, બદલપુર, બોદાલ, ચુવા, વહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. ટીમ દ્વારા ઘરેલુ, કોમર્શિયલ, ખેતીવિષયક મળી ૪૯ જોડાણોની તપાસ કરતાં વીજપૉલ ઉપરથી બારોબાર કનેકશન મેળવવુ, લાઇન ઉપર લંગસિયા નાંખીને વીજ પ્રવાહમા અવરોધ ઉભો કરવો, તંત્ર કે અધિકારીની પરવાનગી સિવાય પોતાના જોડાણમાંથી પાડોશી કે અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર કનેકશન આપવુ, ઘરેલુ જોડાણનો ખેતીવિષયક કે કોમર્શિયલ ઉપયોગ, હેતુફેર, લાઇટ બીલ ઓછુ આવે તે ઉદ્દેશ્યથી વીજમીટર સાથે ચેડા સહિત વીજચોરીના ૨૮ કિસ્સાઓ ઝડપાઇ જવા પામ્યા હતા. જેથી અધિકારીઓ દ્વારા વીજચોરી કરનાર ગ્રાહકોને ૨,૩૦.૩૪૯ રૂાના દંડનીય બિલો ઇસ્યુ કરી તાકીદે ભરપાઇ કરી જવા તાકીદ કરી છે. 

 

(5:52 pm IST)