Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ધો.10-12ની બોર્ડની પરિક્ષા માટે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર શિક્ષણ બોર્ડ દ્વારા ફીની જાહેરાતઃ કોઇ વધારો ન કરાતા છાત્રો અને વાલીઓને હાશકારો

રેગ્‍યુલર છાત્રોની રૂા.355 અને રિપીટરની એક વિષયની ફી રૂા.130

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા ફી જાહેર કરી છે. જો કે આ વખતે પરીક્ષા ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાનું બહાર આવ્યું છે.

ધોરણ-10માં રેગ્યુલર વિદ્યાર્થીઓની ફી રૂ. 355 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 130, બે વિષયની રૂ. 185, ત્રણ વિષયની રૂ. 240 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 345 ફી છે. ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની પણ ત્રણ વિષય કરતા વધુની ફી રૂ. 345 રાખવામાં આવી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સાથે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફી પણ નક્કી કરી છે. જેમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી રૂ. 490 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 140, બે વિષયની રૂ. 220, ત્રણ વિષયની રૂ. 285 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 490 ફી રહેશે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની રૂ. 605 ફી રહેશે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની રૂ. 180, બે વિષયની રૂ. 300, ત્રણ વિષયની રૂ. 420 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 605 ફી રાખવામાં આવી છે.

(4:26 pm IST)