Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અમદાવાદના મોટેરામાં આવેલ આસારામ આશ્રમ ફરી વિવાદમાં: હૈદરાબાદથી ભક્‍તિમાં લીન થવા આવેલ યુવક અચાનક ગુમ થતા ભારે ચિંતા

કોઇ વિધી માટે ગુમ કરાયાની ચર્ચાએ જોર પકડયુઃ પરિવારજનો અમદાવાદ દોડી આવ્‍યા

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલ નિત્યાનંદ આશ્રમ બાદ હવે મોટેરાનો આસારામ આશ્રમ વિવાદોમાં સંપડાયો છે. જો કે આસારામ આશ્રમ અગાઉ પણ કેટલાક વિવાદોમાં આવી ચુક્યો છે. ત્યારે હવે હૈદરાબાદથી ભક્તિમાં લીન થવા મોટેરા આશ્રમમાં આવેલો યુવક આશ્રમમાંથી અચાનક ગુમ થઈ ગયો છે. યુવકના પરીવારજનોને જાણ થતા તેઓ અમદાવાદ આવીને યુવકની શોધખોળ કરી હતી પરંતુ તેમનો દિકરો મળી ન આવતા અંતે પોલીસની મદદ માંગી છે. હાલ તો પોલીસે પણ યુવકની શોધખોળ હાથધરી છે. જોકે પોલીસે પણ યોગ્ય મદદ ન કરી હોવાની ચર્ચા છે. આશ્રમમાં જવાની એન્ટ્રી યુવકની બતાવે છે બહાર આવવાની બતાવતા નથી કોઈ કાળી વિધિ માટે ગુમ કરાયો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

આસારામ આશ્રમમાં બાળકો પર મેલી વિદ્યાના નામે હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના બહાને દુષ્કર્મ આચરવાનો કેસ હોય અવાર નવાર આક્ષેપો સાથે વિવાદોમાં સંપડાયેલો રહ્યો છે. ઉપરાંત આસારામનો પુત્ર નારયણ સાંઈ પણ ગુનાઓમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું હતુ. જો કે હાલ બાપ અને દિકરો હાલ બંન્ને જેલમાં છે તેમ છતા પણ આશ્રમમાં હજી પણ આ પ્રકારની જ ગતિવિધિઓ ધમધમી રહી હોય તેમ ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આસારામ આશ્રમ અને આસારામ બંન્ને આટલા વિવાદોમાં આવવા છતા પણ તેના ભક્તો કંઇક અનોખી ભક્તિમાં જ લીન જોવા મળી રહ્યા છે. તેમને આ તમામ ઘટનાથી કોઇ ફરક જ ન પડ્યો હોય તે પ્રકારે તેના ભક્તોએ તો આસારામને ભગવાન માનવાનું જ ચાલુ રાખ્યું હતું. આશ્રમમાં યોજાતા વિવિધ ઉત્સવો પણ યથાવત્ત રીતે ચાલુ રહ્યા હતા.

હૈદરાબાદમાં રહેતો વિજય નામનો યુવક તેના મિત્ર સાથે ભક્તિમાં લીન થવા માટે અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામના આશ્રમમાં આવ્યો હતો. જો કે છેલ્લા એક અઠવાડીયાથી તે ક્યાંક ગુમ થઈ ગયો હોવાનું તથા કોઈના સંપર્કમાં પણ ન હોવાનું સામે આવ્યું હતુ. વિજયના માતા-પિતા અવાર નવાર તેને ફોન કરી તથા તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન હોવાથી અઠવાડીયા બાદ તે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. દિકરાને શોધવા માટે ધમપછાડા કરી રહ્યા હતા તેમ છતા પણ તેમનો દિકરો મળી આવ્યો ન હોવાથી ચિંતિત બનેલા માતા પિતા પોલીસની મદદ માંગવા પહોંચ્યા હતા. હાલ પોલીસે વિજયની શોધખોળ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી આશ્રમ ના સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ પણ પરિવારને આપવામાં આવ્યા ન હતા અને યુવક ક્યાં છે તે અંગે પણ આશ્રમ તરફથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

(4:24 pm IST)