Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ગુજરાતમાં ડ્રગ્‍સના સેવન અને એપી સેન્‍ટર બનવા પાછળ આંતરરાષ્‍ટ્રીય નિર્ણય અને શ્રીલંકામાં બદલાયેલ સરકાર મહત્‍વનું કારણ બની

ગુજરાતમાં આવતુ ડ્રગ્‍સ પહેલા શ્રીલંકા દરિયાઇ માર્ગે થઇને ઓસ્‍ટ્રેલીયા-યુરોપ જતુ

અમદાવાદ: ગુજરાતના દરિયાઈ કિનારાની બોર્ડર પર અચાનક ડ્રગ્સ લેન્ડિંગ વધી ગયું હોવાની ઘટના એમ જ નથી બની રહી. ગુજરાતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ડ્રગ્સ આવવાની શરૂઆત થઈ અને પછી ગુજરાત પંજાબ બાદ ડ્રગ્સનું એપી સેન્ટર બનતું ગયુ હોવાની વાત સ્પષ્ટ છે. ગુજરાતમાં ડ્રગ્સના સેવન અને એપી સેન્ટર બનવા પાછળ આંતરરાષ્ટ્રીય નિર્ણય અને શ્રીલંકામાં બદલાયેલી સરકાર મહત્વનું કારણ બની છે. ગુજરાતમાં આવતું ડ્રગ્સ પહેલા શ્રીલંકા દરિયાઈ માર્ગ થઈને ઓસ્ટ્રેલિયા તેમજ યુરોપ સુધી જતું હતું.

વર્ષ 2019માં શ્રીલંકામાં સરકાર બદલાઈ અને તેને નેવીને દરિયામાં આવતા ડ્રગ્સ પર નજર રાખવા છૂટો દોર આપ્યો હતો ત્યાર બાદ કેરિયરને પણ કડક કાયદા મુજબ શ્રીલંકાએ ફાંસી આપી હતી. જેથી શ્રીલંકા તરફથી ડ્રગ્સ માફિયા ભારત તરફ વળ્યા અને ગુજરાત તેમનું સરળ બન્યું છે. જ્યારે ભારતના કાયદા શ્રીલંકા જેટલા કડક ન હોવાથી માફિયા આ તરફ વળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ ડ્રગ્સના આકાઓ માટે સેફ પેસેજ ગુજરાત હોવાનું મનાય છે. તેમાં ગુજરાતનો 1600 કિમિ દરિયા કિનારો ઉપયોગમાં આવી ગયો છે.

ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં 600 કરોડનું ડ્રગ્સ પકડયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગને રૂટ બનાવીને ડ્રગ્સ માફિયા ડ્રગ્સ વિદેશમાં પહોંચાડી રહ્યા છે. જેથી હેરોઇન અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ ગુજરતામ આવી રહ્યા છે તેને તપાસ એજનસી પણ નકારી રહી નથી.

જોકે આ ડ્રગ્સ ગુજરાતમાં લેનાર લોકોની સંખ્યા ઓછી છે તે પણ નક્કી છે. જેથી તપાસ દરમિયાન એજન્સીઓને જાણવા મળ્યું કે, ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બન્યું છે. અહીંયાથી 1 કિલો કે નાના પેકેટ બનાવી બાય રોડ અન્ય રાજ્યમાં કે દેશમાં ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે. જેમાં બર્મા લાઓસ ઉજબેકિસતાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી અનેક દેશોમાં ડ્રગ્સ આગળ જઈ રહયું છે.

ગુજરાતના સીનીયર આઇપીએસ ઓફિસર જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ પાકિસ્તાન અને સાઉદી આરબના કેટલાક દેશ પોતાના રૂટ બંધ થઈ જતા પોતાની પાસેનો ડ્રગ્સનો જથથો બહાર કાઢી જલદીમાં અન્ય દેશો એટલે કે વિદેશ પહોંચાડવા માટે હવાતિયાં મારી રહ્યા છે. શ્રીલંકાનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ માટે 2019 થી બંધ થયા બાદ ગુજરાતના 1600 કિમિ દરિયાઈ માર્ગનો બફર રાજ્ય કે દરિયાઈ સીમા માટે ઉપયોગ થવા લાગ્યો છે.

600 કરોડના ડ્રગ્સમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

ગુજરાતમાં તાજેતરમાં પકડાયેલા 600 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસએ વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ માંથી એક પંજાબ અને બીજા ચાર દ્વારકાના હોવાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે ચાલેલા આ ઓપરેશનમાં પાંચે આરોપીને દબોચીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે આ કેસમાં પકડાયેલા માત્ર કેરિયર છે જે તેમના આકાઓને ઓળખતા નથી માત્ર 1800 ડોલર પ્રતિ કિલો માટે કામ કરે છે. જોકે કેરિયરને રૂપિયા હવાલા મારફતે પહોંચતા હતા.

(4:22 pm IST)