Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તમ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયાના બીજા દિવસ એટલે કે 22મીથી ધો.10ની પરિક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ

ધો.12 સામાન્‍ય અને સાયન્‍સ વિભાગના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનારી ધોરણ-10ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડ દ્વારા દિવાળી વેકેશન પુર્ણ થયાના બીજા જ દિવસ એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-10ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી સાથે 21 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. ધોરણ-10ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થયા બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના ફોર્મ ભરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને દિવાળી વેકેશનમાં કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 9 નવેમ્બરથી સ્કૂલ રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ 10 નવેમ્બરથી શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી શરૂ કરાયા બાદ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી.

દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધોરણ-10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ 22 નવેમ્બરના રોજથી ભરાવવામાં આવશે. રાજ્યમાં 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને 22 નવેમ્બરથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે બીજા સત્રના પ્રારંભ સાથે જ ધોરણ-10ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે. આ કામગીરી એક માસ જેટલો સમય ચાલશે. વિદ્યાર્થીઓ 21 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે.

ધોરણ-10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી બાદ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમાં આ બંને ધોરણના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. જોકે, બોર્ડ દ્વારા હાલમાં તો માત્ર ધોરણ-10ના ફોર્મ ભરવાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. પરંતુ આગામી દિવસોમાં અન્ય ધોરણના ફોર્મ માટેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

(4:21 pm IST)