Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

૪૦% ગુજરાતીઓ ખાય છે નોનવેજ : 'શાકાહારી રાજય' તરીકેની ઓળખ પોકળ

ગુજરાત એટલે દાળ-ભાત અને જલેબી-ફાફડા? ગુજરાતીઓની છબી ભલે આ પ્રકારની ઉભી કરવામાં આવી હોય પણ અહી રાજસ્થાન, હરયાણા, પંજાબ કરતા વધારે નોનવેજ ખવાય છે

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાત રાજયની માત્ર દેશ નહીં વિદેશમાં પણ એવી છાપ છે કે અહીં મોટા ભાગના લોકો શુદ્ઘ શાકાહારી છે. પરંતુ વાસ્તવમાં ગુજરાત રાજયમાં રાજસ્થાન, હરયાણા અને પંજાબ કરતા વધારે સંખ્યામાં લોકો માંસાહારનું સેવન કરે છે. ગુજરાતની લગભગ ૪૦ ટકા વસ્તી ઈંડા અથવા માંસ આરોગતા હોય છે. રાજયમાં મહિલાઓની સરખામણીમાં નોનવેજ ખાનારા પુરુષોની સંખ્યા વધારે છે. સરકારી આંકડા અનુસાર, રાજયમાં ૩ ટકા મહિલાઓ માંસાહારી છે. રાજસ્થાનની સરખામણીમાં ગુજરાતમાં માંસાહારનું સેવન વધારે થાય છે. રાજસ્થાનમાં માત્ર ૨૫.૧ ટકા લોકો જ માંસાહારનું સેવન કરે છે.

ઉલ્લેખનીય છે કે આ આંકડાઓ વર્ષ ૨૦૧૪ના સેમ્પલ સર્વેમાંથી લેવામાં આવ્યા છે અને શકય છે કે આજે આંકડો તેનાથી ઘણો વધારે હોય. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની જણાવે છે કે, આઝાદીના સમયથી જ પંજાબ શાકાહારી રાજય તરીકે ઓળખાય છે. ગુજરાતની વાત કરીએ તો આપણે સ્વીકારવાની જરૂર છે કે અહીં મોટી સંખ્યામાં લોકો માંસાહારનું સેવન કરે છે. ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકિનારો છે. સુરતથી કચ્છ સુધી, દરિયાકિનારે વસતા લોકો અને માછીમારી સાથે જોડાયેલા લોકો માંસાહારી હોય છે. કોળી સમાજ, આદિવાસી અને મોટાભાગના ઓબીસી સમાજના લોકો માંસાહારી હોય છે. આ ત્રણ સમૂહોની સંખ્યા રાજયમાં ઘણી વધારે છે. અને પછી લઘુમતી ધર્મના લોકોને ઉમેરવામાં આવે તો કહી શકાય કે, ગુજરાત એક માંસાહારી રાજય છે.

ગુજરાતની શાકાહારી રાજયની છાપ વિષે ગૌરાંગ જાનીએ કહ્યું કે, ભૂતકાળમાં ગુજરાતના એક ભદ્દ વર્ગ દ્વારા પોતાની ખાણીપીણીની પદ્ઘતિને થોપવામાં આવી છે. આ જ કારણે ગુજરાતની છાપ આવી ઉભી થઈ છે. રસપ્રદ બાબત એ છે કે, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીએ પણ ગુજરાતની ઓળખ દાળ-ભાત અને ફાફડા-ઢોકળા સુધી સીમિત રાખી છે. ઘણાં લોકો એવા છે જે ઈંડા-નોનવેજ ખાતા હોય છે પરંતુ જાહેરમાં તેનો ખુલાસો નથી કરતા. તે પરિવારથી પણ છુપાવતા હોય છે. માટે સર્વેનો જે આંકડો છે તે પ્રમાણમાં ઓછો છે. યુવા પેઢીની વાત કરીએ તો તેઓ કોઈ પણ ધર્મ કે જાતિના હોય, મોટા પ્રમાણમાં માંસાહારનું સેવન કરે છે. ગુજરાતમાં ઘણાં એવા તબકાઓ છે જે શાકાહારી ખોરાકને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં માંસાહારનું સેવન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે.

રાજયમાં ઈંડાના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. સોશિયો-ઈકોનોમિક સર્વે અનુસાર, વર્ષ ૨૦૧૯-૨૦માં રાજયમાં સૌથી વધારે ઈંડાનું ઉત્પાદન થયુ હતુ. ૨૦૧૯-૨૦માં ગુજરાતમાં ૧૯૨ કરોડ ઈંડાનું ઉત્પાદન થયુ હતુ. વર્ષ ૨૦૧૮-૧૯માં આ આંકડો ૧૮૫ કરોડ હતો. રાજય સરકારના રિપોર્ટ અનુસાર, ઈંડાના ઉત્પાદનના ૪૩ ટકાનો ઉપયોગ રાજયમાં જ થયો હતો.

(10:31 am IST)