Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

LRD ભરતી માટે યુવાઓની આકરી મહેનત : નોકરી સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પોતાના ગ્રુપ સાથે મફતમાં આપે છે 130 લોકોને ટ્રેનિંગ

એસઓજીમાં ફરજ બજાવતા કેતન પરમાર અને નિકુંજ ચક્રવર્તી નામના બે કોન્સ્ટેબલ બાપુનગર પોલીસ સ્ટેશન પાસેના ઓક્સિજન પાર્કમાં આપે છે ટ્રેનિંગ : વહેલી સવારે પાર્કમાં દોડ, બટરફલાય, રનિંગ, કુલ ડાઉન, કપ મસલ્સ, જમ્પ એક્સસાઇઝ, સાઈડ જમ્પ, વોર્મ અપ, લેગ જમ્પ, એન્કલ જમ્પ, એબીસી સ્ટ્રેચિંગ અને હેડ રોટેશન જેવી કસરતો

અમદાવાદ : એલઆરડીની ભરતી માટે યુવાઓ આકરી મહેનત કરી રહ્યાં છે, બાપુનગરમાં બે પોલીસ કોન્સ્ટેબલ પોતાના ગ્રુપ સાથે મફતમાં 130 લોકોને હાલ ટ્રેનિંગ આપી રહ્યા છે. નોકરીના પરિશ્રમ સાથે આ કોન્સ્ટેબલો અને તેમના ટ્રસ્ટ સાથે સંકળાયેલા ઉમેદવારો પાછળ મહેનત કરાઈ રહી છે.

ગુજરાત પોલીસની એલઆરડીની ભરતી યોજાવા જઇ રહી છે. જેમાં 10,459 જેટલી ભરતી માટે 9.50 લાખ ઉમેદવારો છે. ડિસેમ્બર માસમાં લેવાનારી શારીરિક દોડની પરીક્ષા પહેલા શહેરમાં યુવા વર્ગમાં આકરી મહેનત જોવા મળી રહી છે. મોટાભાગના ગ્રાઉન્ડમાં સવારે 5 વાગ્યાથી જ દોડ અને અન્ય કસરતો કરતા લોકો જોવા મળે છે. આવા જ દ્રશ્યો બાપુનગર પોલીસ સ્ટેશન પાસેના ઓક્સિજન પાર્કમાં જોવા મળે છે. આમ તો સવારે 5 વાગ્યે કોઈ પાર્કમાં જઈએ તો માંડ 5 કે 10 લોકો જોવા મળે. પણ આ 200 થી વધુ લોકો જે કસરત કરે છે કે દોડે છે તે અન્ય કોઈ નહીં પણ એલઆરડીની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી ચૂકેલા લોકો છે. આ તમામ લોકોને અહીં એક જ પાર્કમાં તમામ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

એકાદ અઠવાડિયાથી શહેર પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ આ ઉમેદવારો પાછળ આકરી મહેનત કરી રહ્યા છે. એસઓજીમાં ફરજ બજાવતા કેતન પરમાર અને નિકુંજ ચક્રવર્તી નામના બે કોન્સ્ટેબલ અને તેમના મિત્રોની ટીમ જેમાં કોઈ આર્મી રિટાયર્ડ તો કોઈ એસ.આર.પી જવાન છે. જે લોકો ભીમરાવ વાંચનાલય ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને આ ભરતી બહાર પડતા જ સોશિયલ મીડિયામાં મફતમાં ટ્રેનિંગ અને કોચિંગ આપવાની તેઓએ જાહેરાત કરી અને તેમાં અનેક લોકો જોડાયા છે.

પોલીસ જવાનો નોકરીની સાથે આ ઉમેદવારો પાછળ આકરી મહેનત કરી રહ્યા છે. કારણકે તેઓનો એક જ આશય છે કે પોલીસ વિભાગમાં જોડાઈ મોટાભાગના લોકો દેશની અને લોકોની સેવામાં જોડાય. આ ટ્રસ્ટના લોકો અને તેમાય ખાસ આ બંને પોલીસ કોન્સ્ટેબલ સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ પાર્કમાં દોડ, બટરફલાય, રનિંગ, કુલ ડાઉન, કપ મસલ્સ, જમ્પ એક્સસાઇઝ, સાઈડ જમ્પ, વોર્મ અપ, લેગ જમ્પ, એન્કલ જમ્પ, એબીસી સ્ટ્રેચિંગ અને હેડ રોટેશન જેવી કસરતો કરાવે છે.

જ્યારે સોશિયલ મીડિયામાં લોકોને ફ્રી ટ્રેઇનિંગ અને કોચિંગનો મેસેજ કરાયો ત્યારે 270 લોકોએ જોડાવવા તૈયારી બતાવી હતી. બાદમાં આ ટીમ દ્વારા પુરુષ અને મહિલા ઉમેદવારની ભરતી નિયમો મુજબ બે મિનિટનો વધુ સમય આપી રનિંગ ટેસ્ટ લેવાઈ જેમાં 130 લોકો પાસ થતા તેઓને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે લેખિત પરીક્ષામાં 60 લોકો પાસ થતા તેઓને એન્ટ્રી અપાઈ હતી

 કોચિંગ કલાસ માટે 20-25 લોકો બેસી શકે તેટલી જ જગ્યા આ પોલીસ કોન્સ્ટેબલો પાસે છે પણ સામે ઉમેદવારો 60 છે. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ગઢવીની મદદથી પોલીસ સ્ટેશનના ઉપરના માળે બનાવેલા રૂમ ખાલી હોવાથી આ ટ્રસ્ટના લોકોને મદદરૂપ થઇ આપ્યા છે. જેથી આશરે 40 લોકોને પોલીસ સ્ટેશનમાં જ્યારે અન્ય લોકોને ઓનલાઈન લેખિત પરીક્ષા માટે કોચિંગ અપાય છે તેવું પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જણાવ્યું હતું.

(11:44 pm IST)