Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

૨૧ સુધીમાં ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનું દરેકને ફરમાન

ચૂંટણીને લઇ ગુજરાત બાર કાઉન્સીલની તાકિદ : ૨૧ નવેમ્બર સુધીમાં તમામ બાર એસોસિએશનને ચૂંટણી કમિશનર નક્કી કરીને ચૂંટણી કાર્યક્રમ મોકલવાનો આદેશ

અમદાવાદ, તા.૧૭ : રાજયના ૨૫૨ જેટલા જુદા જુદા વકીલમંડળો(બાર એસોસીએશન) તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી બાર એસોસીએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિધ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇપણ પ્રકારના વાંધા-સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૨૦મી નવેમ્બર સુધીમાં દરેક એસોસીએશનની મતદાર યાદી ગુજરાત બાર કાઉન્સીલને મોકલી આપવાની રહેશે. એટલું જ નહી, તા.૨૧મી નવેમ્બર સુધીમાં રાજયના તમામ બાર એસોસીએશનને ચૂંટણી કમિશનર નક્કી કરી તેમનો ચૂંટણી કાર્યક્રમ ગુજરાત બાર કાઉન્સીલને મોકલી આપવાનો રહેશે એમ બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ રાજયના તમામ બાર એસોસીએશનોને ઉદ્દેશીને બહુ મહત્વની તાકીદ કરી છે.

                        જો રાજયના વિવિધ બાર એસોસીએશન તરફથી તા.૨૧મી નવેમ્બર,૨૦૧૯ સુધીમાં ચૂંટણી કાર્યક્રમ નહી મોકલાય તો, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જે તે એસોસીએશનના સિનિયર એડવોકેટની કમીટી બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે અને તે એસોસીએશનની કમીટીનો વહીવટ સોંપી દેશે એવી પણ રાજયના તમામ બાર એસોસીએશનોને સ્પષ્ટ તાકીદ કરી દેવાઇ છે. સમગ્ર રાજયના વકીલમંડળ માટે મહત્વની ચૂંટણી આવતા મહિને તા.૨૧મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર એસોસીએશન રૂલ્સ-૨૦૧૫ હેઠળ ગુજરાતના વકીલોના દરેક બાર એસોસીએશનો વન બાર, વન વોટ હેઠળ તા.૨૧મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ફરજિયાત ચૂંટણી કરવાનો આદેશ જારી કરાયો છે,

                       જેને લઇને બાર એસોસીએશનોની ચૂંટણીલક્ષી કામગીરી હવે મહત્વના તબક્કામાં આવી પહોંચી છે. જેથી રાજયના ૨૫૨ જેટલા જુદા જુદા વકીલમંડળો(બાર એસોસીએશન) તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી બાર એસોસીએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિધ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇપણ પ્રકારના વાંધા-સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૨૦મી નવેમ્બર સુધીમાં દરેક એસોસીએશનની મતદાર યાદી ગુજરાત બાર કાઉન્સીલને મોકલી આપવાની રહેશે અને તા.૨૧મી નવેમ્બર સુધીમાં રાજયના તમામ બાર એસોસીએશનોએ ચૂંટણી કમિશનર નક્કી કરી તેમનો ચૂંટણી કાર્યક્રમ પણ બાર કાઉન્સીલને મોકલી આપવાનો રહેશે.

                     ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, બાર કાઉન્સીલના આદેશ અનુસાર, દરેક બાર એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૧થી ૧૦ સુધીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણીની કામગીરી પૂરી કરી તા.૨૧-૧૨-૨૦૧૯ના રોજ આખરી મતદાર યાદી મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. જો કોઇપણ એસોસીએશન તરફથી જો બાર કાઉન્સીલે બહાર પાડેલ આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂરી કરવામાં નહી આવે અથવા તો, બાર કાઉન્સીલને જરૂરી વિગતો સમયસર નહી મોકલી અપાય તો તેવા બાર એસોસીએશનની ચૂંટણી પ્રક્રિયાને લગતી કોઇપણ ફરિયાદ કે અપીલ બાર એસોસીએશન રૂલ્સ-૪૯ હેઠળ બાર કાઉન્સીલની કમીટી હાથ પર લેશે નહી તેની નોંધ લેવી. એટલું જ નહી, આવા બાર એસોસીએશન જો, બાર કાઉન્સીલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો, તેવા એસોસીએશનને રદ કરવા સુધીની કાર્યવાહી પણ બાર કાઉન્સીલને કરવાની ફરજ પડશે તેવી સ્પષ્ટ ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

(9:57 pm IST)