Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરતા બાઇકસવાર ભાઈ-બહેનને થરા પાસે ટ્રેલરે મારી ટક્કર : બહેનનું કરૂણમોત

અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર: સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા

બનાસકાંઠા જિલ્લાના થરા પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે બાઈકને અડફેટ લેતા બાઈક ઉપર સવાર ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં  બહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલર મુકીને ડ્રાઈવર ફરાર થયો હતો.

 ઘટનાની જાણ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે આગળની તજવીજ હાથધરી હતી.

   મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે રાજ્યભરમાં બિન સચિવાલયની પરીક્ષા હતી. આ પરીક્ષા આપીને ખીમત ગામના ભાઈ-બહેન બાઈક ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા બાઈક બનાસકાંઠાના કાંકરેજના ચેખલા બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યું હતું ત્યારે ટ્રેલરે ટક્કર મારી હતી. જેના પગલે ભાઈ-બહેનને ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના પગલે 22 વર્ષીય માયાબેન સુથારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા અને પોલીસને જાણ કરી હતી. યુવતીના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

(9:06 pm IST)