Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યામાં ભવ્ય રામમંદિર ૩ વર્ષમાં પૂર્ણ કરવાનો આશાવાદ

નિર્માણ, બાંધકામ, ભવ્યતાને લઇ ચર્ચા-વિચારણા : ઘણા મંદિરોના નિર્માણકર્તા સોમપુરા સમાજની યુવા પેઢીને શિલ્પ તેમજ સ્થાપત્ય વારસામાં તૈયાર થશે : નિખિલ સોમપુરા

અમદાવાદ, તા.૧૭ : સુપ્રીમકોર્ટ દ્વારા તાજેતરમાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણની તરફેણમાં અપાયેલા ઐતિહાસિક ચુકાદા બાદ હવે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરના નિર્માણ, બાંધકામ અને તેની ભવ્યતાને લઇ મહત્વની ગતિવિધિ અને ચર્ચાવિચારણા શરૂ થઇ છે. ખાસ કરીને વિશ્વભરમાં ભવ્ય મંદિરોના નિર્માણકર્તા સોમપુરા સમાજની યુવા પેઢીને શિલ્પ-સ્થાપત્યના વારસામાં તૈયાર કરવા અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી  નવા મંદિરોના નિર્માણ કાર્યને આગળ ધપાવવાના ઉમદા હેતુસર આજે અમદાવાદ શહેરમાં સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન દ્વારા બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અયોધ્યા રામમંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરનાર ચંદ્રકાંત બી.સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરા, સંસ્થાના પ્રમુખ મનોજ સોમપુરા, મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ સોમપુરા, કિરણ ત્રિવેદી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. સોમપુરા સમાજના આગેવાનો દ્વારા અયોધ્યામાં ભવ્ય રામમંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થઇ જવાનો બહુ મહત્વનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ સોમપુરાએ જણાવ્યું હતું કે,  પ્રાચીનકાળથી ભારત અને વિશ્વભરમાં ભવ્ય હિન્દુ મંદિરો અને જૈન દેરાસરોના શિલ્પ સ્થાપત્ય અને મહાલયોના નિર્માણકાર્યમાં અમૂલ્ય યોગદાન આપનાર સોમપુરા જ્ઞાતિએ પોતાની યુવા પેઢીને મંદિરોના ભવ્ય નિર્માણ કાર્યની પરંપરાને આગળ ધપાવવા વિશેષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવા ફાઉન્ડેશન ભારત અને વિદેશોના વિવિધ વિષયોના નિષ્ણાંતો, શિક્ષણવિદો, પ્રોફેશ્નલ્સ અને ટેમ્પલ પ્લાનર્સને આમંત્રિત કરીને વિશેષ સત્રોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.

                      આનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના યુવાન અને ઉભરતાં કલાકારો વચ્ચેભારતીય કળા, સંસ્કૃતિ અને પ્રાચિન સ્થાપત્યોના સાહિત્યા ેઅંગે જાગૃતિ અને સમજણનો પ્રસાર કરવાનો છે. દરમ્યાન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઇ સોમપુરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સમૃદ્ધ પ્રાચીન વારસા, કલા અને કારીગરીની કાળજી રાખવી એ આપણી અને યુવા પેઢીની જવાબદારી છે. જે અંતર્ગત યુવાનોને નિષ્ણાંતોના માર્ગદર્શન, નવીન ટેક્નોલોજી, ઇનોવેશન તથા માહિતીસભર પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સાથે માઉન્ટ આબુ, રાણકપુર, મોઢેરા સૂર્ય મંદિર, ખજુરાહો, કોણાર્ક, સ્વામિનારાયણ મંદિર સંબંધિત વિગતો-કેસ સ્ટડી ધરાવતા પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

                         ઉલ્લેખનીય છે કે વિશ્વની કલાના ઇતિહાસમાં ગુજરાતમાં વસતા સોમપુરા શિલ્પીઓએ બેજોડ કલા-સ્થાપત્યોની રચના કરીને શિલ્પકલાને ચારેય દિશામાં ફેલાવી છે. પત્થર જેવા જડ અને કઠીન તત્વ ઉપર ટાંકણા અને હથોડાની મદદથી નાજૂક, નમણી, નયનરમ્ય આકૃતિ, અમર શિલ્પોની કૃતિઓનું સર્જનર સોમપુરા શિલ્પીઓએ કર્યું છે અને હવે સમાજની યુવા પેઢી તેને આગળ ધપાવશે. આજે ઉડાન અબ સોચ કરો બુલંદ...એક કદમ સપનોં કે સંગ વિષય ઉપર પણવિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશન સ્પીકર સંજયભાઇ રાવલે સમાજની પેઢીને પ્રેરક વક્તવ્ય આપીને સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સમાજની ભુમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો. આગામી દિવસોમાં સંસ્થાની ગ્રંથ વિમોચન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિશ્વ વિખ્યાત ખજુરાહોના સ્થાપત્યોના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(8:28 pm IST)