Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કેમ ભણશે ગુજરાતના બાળકો 5,350 જેટલી શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો

ગાંધીનગર : 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત'ની વાતો કરતી સરકાર રાજ્યની 5,350 જેટલી શાળાઓ બંધ કરવા જઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5 સુધીનો અભ્યાસ કરાવતી 5,350 જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં જે જે શાળાઓમાં વિદ્યાથીઓની ઓછી સંખ્યા હશે, તે શાળાને બંધ કરવામાં આવશે. રાજ્યમાં 30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરીને અન્ય શાળાની સાથે મર્જ કરવામાં આવશે.

રાજ્યમાં આવેલી કુલ સરકારી શાળામાંથી 4,500 શાળાઓમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે 850 શાળાઓમાં તો 10 કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ કુલ ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5,350 શાળાઓને બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ શાળાઓને બંધ અને મર્જ કર્યા પછી ફઝલ પડેલા 9,000 જેટલા શિક્ષકોની જૂથ શાળામાં નિમણુક કરવામાં આવશે.

આ બાબતે શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, એવું નથી કે, શાળાઓ બંધ કરવા જઈ રહ્યા છીએ જ્યાં જ્યાં એક કિલોમીટરની ત્રિજ્યામાં બીજી મોટી શાળા ઉપલબ્ધ હોય અને તેની સામે 30 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી નાની શાળા ઉપલબ્ધ હોય અને વિદ્યાર્થી અગવડતા ન પડે તેમ નજીકમાં બીજી શાળા હોય તેમ મર્જીંગની પોસીબ્લિટી એક્સ્પ્લોર કરવા માટે સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઘણી સરકારી શાળાઓ સ્થિતિ જર્જરિત છે, તેથી તે શાળાઓ છોડીને વિદ્યાર્થીઓ ગામના મંદિરમાં કે, અન્ય જગ્યા પર ભણી રહ્યા છે અને કેટલીક શાળાઓ તો ગામડાથી દૂર દૂર હોવાના ઘણી મુશ્કેલીઓ ઉઠાવીને વિદ્યાથીઓ શાળાએ જાય છે. આવી પરિસ્થિતિમાં સરકાર 5,350 જેટલી શાળાઓ બંધ કરવા જઈ રહી છે ત્યારે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થાય છે કે, તેમની મુશ્કેલીઓ વઘે છે, તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

(2:15 pm IST)