Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ડેન્ગ્યુના સેંકડો કેસ નોંધાયા

સુરતમાં ડેન્ગ્યુથી એકનું મોત, ૧૧૭ને અસર : રાજ્યના સુરતમાં પણ ડેન્ગ્યુનો કહેર માઝા મૂકી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરીની સામે ઉગ્ર રોષ

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ, સુરત અને રાજ્યના અન્ય જુદા જુદા ભાગોમાં આ વર્ષે ડેન્ગ્યુએ જોરદાર આતંક મચાવી દીધો છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હજુ સુધી ડેન્ગ્યુ રોગ ઉપર કાબુ મેળવવામાં સંપૂર્ણ પણે સફળતા હાથ લાગી નથી. ડેન્ગ્યુ રોગચારાના કારણે અમદાવાદમાં પણ તંત્ર સાવધાન બનેલુ છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો આંકડા ચિંતા ઉપજાવે તેવા છે. આ વખતે મોનસુનની સિઝન વધારે લાંબા સમય સુધી ચાલી છે. સાથે સાથે કમોસમી વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. દરમિયાન સુરત શહેરમાં ડેન્ગ્યુનો વાવર છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યો છે અને હવે તો જાણે માઝા મૂકી રહ્યો છે. મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુની બીમારીમાં સુરતના પુણા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું મોત નીપજ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ડેન્ગ્યુની બીમારીમાં થયેલા મોતને લઈને આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુને નાથવા માટેના હાથ ધરાઇ રહેલા પ્રયાસો સામે લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. સુરતમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૧૭ લોકો ડેન્ગ્યુની સારવાર હેઠળ આવ્યા છે,

                     ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે ડેન્ગ્યુની બીમારીમાં ૧૭ વર્ષીય કિશોરીના મોત બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પરંતુ કિશોરીના પરિવારજનોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તો, સ્થાનિક નાગરિકોએ સુરતમાં ગંદકી અને સ્વચ્છતા મુદ્દે તેમ જ મચ્છરના ઉપદ્રવને નિવારવામાં સુરત મનપાની નિષ્ફળતાને લઇ આકરા પ્રહારો કરી ભારે રોષ વ્યકત કર્યો હતો. શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૧૭ લોકો ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યાં છે. પુણાની એક સોસાયટીમાં એક જ ઘરના પાંચ જેટલા લોકોને ડેન્ગ્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. દરમ્યાન ડેન્ગ્યુના ખપ્પરમાં આજે એક કિશોરીનો ભોગ લેવાતાં હવે સુરતવાસીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે તો, સ્થાનિક આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. અમદાવાદ શહેરમાં દિવાળી બાદ રોગચાળાના કેસોને રોકવા માટે લેવામાં આવી રહેલા પગલાની અસર દેખાઈ રહી છે. જેના પરિણામ સ્વરુપે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં ઘટાડો થયો છે. કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ પણ મોટાપાયે પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. અમદાવાદમાં ૯ દિવસના ગાળામાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં ઘટાડો થયો છે.

                      ઝાડા ઉલ્ટીના ૯મી નવેમ્બર સુધી ચાલુ મહિનામાં ૧૬૬ કેસો નોંધાયા છે જ્યારે ૯ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૨૯૦ કેસ સપાટી ઉપર આવતા ચિંતા રહી છે. અલબત્ત પહેલાની સરખામણીમાં ડેંગ્યુ રોગ ઉપર પણ કાબૂ મેળવવામાં આવ્યો છે. અગાઉ ૨૦મી ઓક્ટોબર ૨૦૧૯થી ૨૬મી ઓક્ટોબર ૨૦૧૯ વચ્ચે ડેંગ્યુના ૫૮૨ કેસો નોંધાયા હતા જેની સામે ૯ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૨૯૦ કેસો નોંધાયા છે. અમદાવાદમાં ડેન્ગ્યુના નવેમ્બર મહિનાના પ્રથમ નવ દિવસમાં ૨૯૦ કેસ નોંધાઈ ગયા હતા.

(10:42 am IST)