Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અમરાઇવાડીમાં ઘરમાં ઘૂસી યુવકને દોરી વડે ફાંસી આપી

ફિલ્મી સ્ટાઈલથી કરાયેલી ઘાતકી હત્યાથી ચકચારઃ ક્રુર હત્યા કયા કારણસર કરવામાં આવી તેને લઈને પોલીસ દ્વારા તપાસ : હત્યારાને પકડી પાડવા માટે પોલીસ સક્રિય

Alternative text - include a link to the PDF!

અમદાવાદ, તા.૧૭ : શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે રબારી કોલોની ખાતે વધુ એક યુવકની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા એક યુવકની દોરી વડે ગળાફાંસો આપીને હત્યા કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હકતી.          આશ્ચર્યની વાત એ છે કે, વહેલી સવારે યુવકની પત્ની રૂપિયા લેવા માટે ઘરે આવી ત્યારે તેની લાશ જોઇ હતી. અમરાઇવાડી વિસ્તારમાં રહેતાં પ૦ વર્ષીય ચંપાબહેન દંતાણીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ચંપાબહેનનો પુત્ર મહેશ તેની પત્ની વંસતબહેન અને બાળકો સાથે રબારી કોલોની પાસે ભાડાના મકાનમાં રહે છે. ચંપાબહેનની તબિયત ખરાબ હોવાથી વંસતબહેન તેમના ઘરે રોકાવા માટે આવ્યા હતા. ગુરુવાર મોડી રાતે મહેશ તેના ઘરે એકલો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રબારી કોલોનીના ગેટ નંબર-૧ પાસે મહેશભાઇ દંતાણીનો કોઇ ઓળખીતો તેના ઘરે આવ્યો હતો અને અગમ્ય કારણસર તેનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. વહેલી સવારે મહેશની પત્ની રૂપિયા લેવા માટે ઘરે આવી ત્યારે તેને બેભાન હાલતમાં જોયો હતો. ચંપાબહેન અને તેમનો બીજો પુત્ર પણ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જોકે તેમણે મહેશનું મોત થઇ ગયું હોવાનું જાહેર કર્યું હતું. ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે જ્યારે મહેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે હત્યાનું કારણ જાણવાની દિશામાં પણ તપાસનો દોર આરંભ્યો છે.

 

(9:40 pm IST)